​ગોંડલ: પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ ‘કથિત પત્રકાર’નો તોડ, મજૂર પાસેથી પડાવ્યા ₹10,000!

પત્રકારની ઓળખ આપી તોડબાજી કરનાર ધવલ ઉર્ફે ડી.કે. સામે FIR.

by Bansari Bhavsar

ગોંડલ: ન્યાયના ધામ ગણાતા પોલીસ સ્ટેશનના પરિસરમાં જ એક ચોંકાવનારી ખંડણીની ઘટના સામે આવી છે. ગોંડલ સીટી બી-ડિવિઝન પોલીસ મથકના કમ્પાઉન્ડમાં એક શખ્સે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી, બદનામ કરવાની ધમકી આપીને એક નિર્દોષ મજૂર પાસેથી ₹10,000 પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

​શું છે સમગ્ર બનાવ?

​ફરિયાદ મુજબ, ગત શુક્રવારે રાત્રે રાહુલભાઈ કિશોરભાઈ ચૌહાણ (રહે. ભગવતપરા, ગોંડલ) અને તેમનો મિત્ર ધર્મેશભાઈ માર્કેટિંગ યાર્ડમાં બેઠા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા તેઓને દારૂ પીધેલી હાલતમાં હોવાની શંકાએ પૂછપરછ માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. રાહુલભાઈએ દારૂ ન પીધો હોવાથી તેમનો કેસ થયો ન હતો, પરંતુ તેમના મિત્ર ધર્મેશ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી હતી.

​આ સમયે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ હાજર ધવલ ઉર્ફે ડી.કે. જેન્તીભાઈ રાણપરીયા નામના શખ્સે પોતાની ઓળખ ‘પત્રકાર’ તરીકે આપી રાહુલભાઈને રોક્યા હતા.

​સોશિયલ મીડિયામાં બદનામ કરવાની આપી ધમકી

​આરોપી ડી.કે. એ રાહુલભાઈને ધમકાવતા કહ્યું હતું કે,

​”તમારા સમાચાર પેપરમાં અને સોશિયલ મીડિયામાં ફોટા સાથે છાપી દઈશ અને તમને બદનામ કરી દઈશ. જો તમારે આ બદનામીથી બચવું હોય અને તમારા મિત્રને જલ્દી છોડાવવો હોય તો ₹10,000 નો વહીવટ કરવો પડશે.”

​સમાજમાં બદનામી થવાના ડર અને પોલીસ કેસની બીકે મજૂરી કામ કરતા રાહુલભાઈએ તાત્કાલિક આરોપીના મોબાઈલ નંબર પર ગુગલ-પે (Google Pay) દ્વારા ₹10,000 ટ્રાન્સફર કરી દીધા હતા.

​પૈસા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી

​બાદમાં જ્યારે રાહુલભાઈને છેતરાયા હોવાનો અહેસાસ થયો અને તેમણે પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપીએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે કંટાળીને રાહુલભાઈએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક કર્યો હતો.

​પોલીસ કાર્યવાહી

​ગોંડલ સીટી બી-ડિવિઝન પોલીસે આ મામલે રાહુલભાઈની ફરિયાદના આધારે આરોપી ધવલ ઉર્ફે ડી.કે. વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની નીચે મુજબની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે:

​કલમ 308(5): ખંડણી (Extortion) સંબંધિત ગુનો.

​કલમ 351(3): જાનથી મારી નાખવાની ધમકી (Criminal Intimidation).

​ચર્ચાનો વિષય

​સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી ડી.કે. અવારનવાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જોવા મળતો હતો અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મૂકી લોકો પર રોફ જમાવતો હતો. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ પત્રકારના નામે અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે નાણાં પડાવ્યા છે.

Related Posts