અમદાવાદ:
શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંશત: ડામી દેવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે પોલીસ કમિશનરશ્રી અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ ચાલી રહેલી ઝુંબેશમાં એલીસબ્રીજ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી એક મહિલા આરોપીને કુલ રૂ. ૧.૩૩ લાખના પાંચ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી છે.
ગુનાની વિગત અને ધરપકડ
એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એમ. ભુવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ, સરદારસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ નિર્મળભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ એક મહિલા શંકાસ્પદ હાલતમાં ફરી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ પ્રસ્થાપિત કરી પોલીસે કેલમબેન સુરજભાઈ મારવાડી (નટ) (રહે. શાસ્ત્રીનગર, નડીયાદ) ની અટકાયત કરી હતી.
રિકવર કરાયેલ મુદ્દામાલ
પોલીસે મહિલા પાસેથી વિવિધ કંપનીના કુલ ૦૫ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૩૩,૦૦૦/- થાય છે:
એપલ આઈફોન ૧૫ પ્લસ (કિંમત રૂ. ૩૫,૦૦૦/- અંદાજિત)
એપલ આઈફોન ૧૫ (કિંમત રૂ. ૫૦,૦૦૦/- અંદાજિત)
વન પ્લસ ૦૭ (કિંમત રૂ. ૧૫,૦૦૦/- અંદાજિત)
રીયલમી જી.ટી. (કિંમત રૂ. ૨૦,૦૦૦/- અંદાજિત)
રીયલમી એક્ષ ટુ પ્રો (કિંમત રૂ. ૧૩,૦૦૦/- અંદાજિત)
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ઝડપાયેલી મહિલા આરોપી રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે:
ઘાટલોડીયા પોલીસ સ્ટેશન: ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૦૫(એ) મુજબનો ગુનો (૨૦૨૪).
ગોરવા પોલીસ સ્ટેશન (વડોદરા): કલમ-૩૦૫ મુજબનો ગુનો (૨૦૨૫).
મકરપુરા પોલીસ સ્ટેશન (વડોદરા): આઈ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦ મુજબ ચોરીનો ગુનો (૨૦૨૩).
તપાસ કરનાર ટીમ
આ કામગીરીમાં એલીસબ્રીજ પી.આઈ. કે.એમ. ભુવા, પીએસઆઈ એસ.સી. પટેલ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ વિરેન્દ્રસિંહ, સરદારસિંહ, યાકીનભાઈ, નિર્મળભાઈ, હિતેશભાઈ, ચિંતનભાઈ, સવિતાબેન અને આકાશસિંહ જોડાયા હતા. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૦૫(એ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.