અમદાવાદ એરપોર્ટ પર લાખોનું સોનું જપ્ત: કુઆલાલમ્પુરથી આવેલી મહિલા પેસ્ટ બનાવી શરીરમાં સોનું છુપાવી લાવી હતી

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સનો એક્શન પ્લાન: મલેશિયાથી આવેલી મહિલાના ગુપ્ત ભાગમાંથી ₹83 લાખનું સોનું ઝડપાયું

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. મલેશિયાના કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી અંદાજે ₹83.29 લાખની કિંમતનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે.

​ખાનગી બાતમી અને પ્રોફાઈલિંગના આધારે કાર્યવાહી

​કસ્ટમ્સ વિભાગને અગાઉથી મળેલી ચોક્કસ બાતમી અને ‘APIS પ્રોફાઈલિંગ’ (Advanced Passenger Information System) ના આધારે 30 માર્ચના રોજ ફ્લાઈટ નંબર AK-91 દ્વારા અમદાવાદ ઉતરેલી એક મહિલા પર વોચ રાખવામાં આવી હતી.

​ગ્રીન ચેનલમાંથી પસાર થતી વખતે ઝડપાઈ

​જ્યારે આ મહિલા ટર્મિનલ-2 પર ઉતરીને ચાલાકીપૂર્વક ગ્રીન ચેનલ (જ્યાં કોઈ સામાન ડિકલેર કરવાનો હોતો નથી) માંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે જ અધિકારીઓએ તેને અટકાવી હતી. શરૂઆતી પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની ઝીણવટભરી તપાસ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

​શરીરના ગુપ્ત ભાગમાં છુપાવ્યું હતું સોનું

​તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મહિલાએ તપાસથી બચવા માટે સોનાને લિક્વિડ કેમિકલ સાથે મિશ્ર કરી ‘ગોલ્ડ પેસ્ટ’ તૈયાર કરી હતી. આ પેસ્ટને કાળી ટેપથી વીંટાળેલા બે લંબગોળ કેપ્સ્યુલ્સમાં ભરીને પોતાના શરીરના ગુપ્ત ભાગમાં છુપાવી હતી.

​સોનાની વિગતો:

​કુલ મિશ્રણનું વજન: 643.28 ગ્રામ (પેસ્ટ સ્વરૂપે)

​શુદ્ધિકરણ બાદ સોનું: 553.07 ગ્રામ

​શુદ્ધતા: 24 કેરેટ (999.0 શુદ્ધતા)

​અંદાજિત કિંમત: ₹83.29 લાખ

​નિષ્ણાતોની હાજરીમાં આ પેસ્ટનું શુદ્ધિકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાંથી શુદ્ધ સોનાનો બિસ્કિટ મેળવવામાં આવ્યો છે. હાલ કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી મહિલાની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આમાં અન્ય કોઈ ગેંગ સામેલ છે કે કેમ.

Related Posts