અમદાવાદ: ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાને લાખોની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, 6 આરોપીઓની ધરપકડ

41 ગુનાઓના ભેદ ઉકેલાયા, 1.50 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપી નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી કરતી એક મોટી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે. આ મામલે પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ બેંક એકાઉન્ટ પૂરા પાડવાથી લઈને છેતરપિંડીના નાણાં દુબઈ સુધી પહોંચાડવાનું નેટવર્ક ચલાવતા હતા.

​શું હતો સમગ્ર મામલો?

​ફરિયાદીને ફેસબુક દ્વારા મિત્રતા કેળવી ‘CBOE US’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ USDT (ક્રિપ્ટો કરન્સી) માં રોકાણ કરવાના બહાને ઊંચા વળતરની લાલચ આપી, જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ રૂ. 57,90,000/- ભરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

​પોલીસ તપાસ અને ધરપકડ

​સાયબર ક્રાઈમ બ્રાંચના DCP લવીના સિંહા અને ACP હાર્દિક માંકડિયાના માર્ગદર્શન હેઠળ PI પી.વી. વાઘેલા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ તેજ કરી હતી. પોલીસને જાણવા મળ્યું કે આ નેટવર્કના તાર દિલ્હી અને દુબઈ સુધી જોડાયેલા છે.

​પકડાયેલા આરોપીઓની યાદી:

​તાહીર ફેઝમોહમદ બેલીમ (સરખેજ, અમદાવાદ)

​અદનાન લીયાકતભાઇ શેખ (રીલીફ રોડ, અમદાવાદ)

​એઝાઝ જીલાનીભાઇ શેખ (દરિયાપુર, અમદાવાદ)

​ઓમકારભારતી મહેશભારતી ગોસ્વામી (જાફરાબાદ, અમરેલી/સુરત)

​મકસદ રફીકભાઇ સમઝ (રીલીફ રોડ, અમદાવાદ)

​સન્ની અશોકકુમાર મગ્ગો (ઉત્તમનગર, દિલ્હી) – જે એકાઉન્ટની વિગતો દુબઈ મોકલતો હતો.

​વોન્ટેડ આરોપી:

​મયુર સાવલીયા (રહે. હાલ દુબઈ, મૂળ સુરત)

​1.50 કરોડના શંકાસ્પદ વ્યવહારો અને 41 ફરિયાદો

​તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ ‘CRSYTAL INTERIOR DESIGNERS PRIVATE LIMITED’ ના નામે અલગ-અલગ બેંકોમાં (બંધન બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ICICI અને યસ બેંક) ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં કુલ 41 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે અને આશરે 1.50 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવ્યું છે.

​સાયબર ક્રાઈમની અપીલ

​પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણી વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર અપાતી રોકાણની લાલચોમાં ન આવવું અને કોઈપણ શંકાસ્પદ લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં. જો કોઈ છેતરપિંડીનો ભોગ બને તો તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો.

Related Posts