ગાંધીનગર: ગત ૦૮.૦૪.૨૦૨૬ના રોજ ગુજરાત સ્ટેટ IPS એસોસિએશનની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂબરૂ તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને સંગઠનના નવા માળખા અને વિવિધ પડતર પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી
આ બેઠકમાં એસોસિએશનના નવા પ્રમુખ તરીકે અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક અને ઉપપ્રમુખ તરીકે શ્રી પીયૂષ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કારોબારી સમિતિમાં શ્રી અશોક યાદવ, લવીના સિંહા, રવિ તેજા અને આયુષ જૈનનો નવા સભ્યો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
IPS એસોસિએશનનું નવું માળખું:
પ્રમુખ: શ્રી જી. એસ. મલિક
ઉપપ્રમુખ: શ્રી પીયૂષ પટેલ
સેક્રેટરી: શ્રીમતી નિપુણા એમ. તોરવણે
ટ્રેઝરર: શ્રી એન. એન. ચૌધરી
8મા પગાર પંચ અંગે રજૂઆત માટે સબ-કમિટીની રચના
બેઠક દરમિયાન સભ્યોએ 8મા પગાર પંચ સમક્ષ કરવાની થતી રજૂઆતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ બાબતે યોગ્ય અને તથ્યલક્ષી રજૂઆત તૈયાર કરવા માટે એક ખાસ સબ-કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે પગાર પંચને સોંપવા માટેનો વિગતવાર અહેવાલ તૈયાર કરશે.
સોશિયલ મીડિયા પર પાયાવિહોણા આક્ષેપો સામે લાલઆંખ
એસોસિએશને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક હિત ધરાવતા વ્યક્તિઓ દ્વારા IPS અધિકારીઓ વિરુદ્ધ પાયાવિહોણા અને ખોટા આક્ષેપો કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં એસોસિએશન હવે મૌન નહીં રહે અને અધિકારીઓના હિતમાં જરૂરી કાયદાકીય અને સુધારાત્મક પગલાં ભરશે.
ડિજિટલ ઉપસ્થિતિ વધારાશે
માહિતીના ઝડપી આદાન-પ્રદાન અને એસોસિએશનની સત્તાવાર વિગતો લોકો સુધી પહોંચાડવા માટે IPS એસોસિએશનનું સત્તાવાર ટ્વિટર (X) હેન્ડલ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માધ્યમ દ્વારા ખોટી અફવાઓનું ખંડન અને મહત્વની જાહેરાતો ત્વરિત ગતિએ કરી શકાશે.