અમદાવાદ: શહેરમાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે મણિનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડને મોટી સફળતા મળી છે. મણિનગર વિસ્તારમાં ધોબીકામની આડમાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે દરોડો
મણિનગર સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આઈ. પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ લલીતભાઈ અને પરિમલભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ઝધડિયા બ્રિજ પાસે આવેલા રામકૃષ્ણ કોમ્પ્લેક્ષના ભોંયરામાં દુકાન નંબર-૩ માં હરીશ નાનાલાલ બોડાણા નામનો શખ્સ પોતાની ધોબીની દુકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે.
મુદ્દામાલ અને ધરપકડ
પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડતા દુકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કાચની બોટલો તથા ટીન મળી કુલ ૪૩૮ નંગ (૨૧૫ લિટર) જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹૪,૩૬,૩૯૦/- ની કિંમતનો આ મુદ્દામાલ જપ્ત કરી ૪૬ વર્ષીય આરોપી હરીશ નાનાલાલ બોડાણાની ધરપકડ કરી છે.
વોન્ટેડ આરોપી
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો પૂરો પાડવામાં ઘોડાસર વિસ્તારના ચમનભાઈ ઉર્ફે અનિલભાઈ પ્રજાપતિની સંડોવણી છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની શોધખોળ હાથ ધરી છે.
આ સફળ કામગીરી પી.આઈ. જે.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એસ.આઈ. પટેલ, એએસઆઈ રાજેશભાઈ તથા અન્ય સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવી હતી.