Jagannath Rathyatra : ૧૪૯મી રથયાત્રા: સોશિયલ મીડિયા પર અમદાવાદ સાયબર ક્રાઈમની ૨૪x૭ બાજ નજર

ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે થશે કડક કાર્યવાહી

by ND
Ahmedabad cyber crime, Jagganath Rath Yatra 2026

Jagannath Rathyatra 2026
અમદાવાદ: અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી ઐતિહાસિક ૧૪૯મી જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને કોમી એકતાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

૩ ટીમો દ્વારા ૨૪ કલાક સતત મોનિટરિંગ

આ અંગે વિગતવાર માહિતી આપતા અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી ડૉ. લવીના સિંહાએ જણાવ્યું છે કે, રથયાત્રાના પર્વ દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની ૩ વિશેષ ટીમો અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ચોવીસે કલાક (૨૪x૭) તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વોચ રાખી રહ્યા છે.

અફવા ફેલાવવી કે ફોરવર્ડ કરવી એ ગુનો બનશે

પોલીસ દ્વારા જાહેર જનતા માટે કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે:

  • સોશિયલ મીડિયા પર કોઈપણ ઉશ્કેરણીજનક, કોમી વૈમનસ્ય ફેલાવતી કે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મૂકવી, કમેન્ટ કરવી કે તેને ફોરવર્ડ કરવી એ કાયદેસરનો ગુનો છે.

  • આવી પ્રવૃત્તિઓ કરતા સોશિયલ મીડિયા ગ્રુપ્સ સાથે જોડાવા બદલ અથવા અફવા ફેલાવવા બદલ કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

    આવી કોઈપણ શંકાસ્પદ કે અફવા ફેલાવતી પ્રવૃત્તિ ધ્યાને આવશે, તો પોસ્ટ કરનાર તેમજ તેને ફોરવર્ડ કરનાર બંને વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

નાગરિકોને સહયોગ આપવા અપીલ

ડીસીપી ડૉ. લવીના સિંહાએ રથયાત્રાના આ પવિત્ર પર્વને ખૂબ જ ઉત્સાહ અને શાંતિપૂર્વક ઉજવવા માટે જનતાના સહયોગને અનિવાર્ય ગણાવ્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે જો તેમના ધ્યાનમાં આવી કોઈ શંકાસ્પદ પોસ્ટ, ખોટી અફવાઓ કે વિવાદિત ગ્રુપ્સ આવે, તો તુરંત જ તેની જાણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને કરે જેથી સમયસર યોગ્ય કાર્યવાહી કરી શકાય.
JagannathRathyatra

Related Posts