Heavy rain in Vadodara। વરસાદની આગાહી વચ્ચે હાલ રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં ગત રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાળવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઇ છે. વડોદરામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાદરામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વડોદરાના અલકાપુરી ગરનાળામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી હતી.
નવસારીના ખેરગામમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ખેરગામમાં સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ખેરગામના રહેણાંક વિસ્તારની આસપાસના ખેતરો અને ખાડીમાં વરસાદી પાણી ભરાયા છે.
વલસાડમાં પણ ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રી દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડના MG રોડ પર પણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. સવાર થતાં વરસાદનું જોર ધીમું પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. અનરાધાર વરસાદના કારણે કપરાડાના નાસિક હાઈવે પર પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
બીજી તરફ, 2 કલાકમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખેરગામમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુર અને વાપીમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જયારે ઉમરગામમાં 1.5, કપરાડા અને નિઝરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.