Navsari| નડિયાદ બાદ હવે નવસારીમાં નશામાં ધૂત નબીરાએ બેફામ ગતિએ કાર ચલાવીને 5 વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. કારમાંથી દારૂની બોટલ મળી આવ્યા બાદ હાલ પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
ખત્રીવાડ વિસ્તારમાં ગતરાત્રે નબીરાએ સર્જ્યો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તારમાં ગઈકાલે રાતે બલેનો કારચાલકે બેફામ કાર હંકારીને પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. મોડી રાત્રે અકસ્માતનો અવાજ સંભળાયા બાદ લોકો પોત-પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જનાર કાર ચાલક લોકોના ડરથી કાર મૂકીને જ ફરાર થઈ ગયો હતો.
જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી
સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત સર્જનાર કાર ચાલક NRI હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નડિયાદમાં નબીરાએ સર્જ્યો હતો અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ નડિયાદના કૉલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સામે કારના ચાલકે બેફામ કાર હંકારીને ત્રણ પૈડાવાળી લારી સહિત 3 વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી. ભારે ચહલપહલવાળા વિસ્તારમાં અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લારીચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો અકસ્માતની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
કારમાંથી મળી આવી દારૂની બોટલ
જે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા કારચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જે બાદ પોલીસે કારચાલક રવિ સિંઘની અટકાયત કરી હતી.
દારૂબંધીને લઈને ઉભા થયા સવાલ
સતત બીજા દિવસે ગુજરાતમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવતા દારૂબંધી સામે સવાલો ઉભા થયા છે. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં રાજ્યમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સામે આવી રહ્યા છે. તો શું આ નબીરાઓ પાતાળમાંથી દારૂ શોધીને લાવતા હશે, જો નબીરાઓને દારૂની બોટલો મળી જતી હોય તો, પોલીસને દારૂ વેચનારા બુટલેગરની કેમ જાણ નથી હોતી તે પણ એક મોટો સવાલ છે. આ પ્રકારની ઘટનાઓ બાદ સૌથી મોટો સવાલ એ થાય કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે ખરી?