દરિયામાં ૩૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું, ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત કાર્યવાહી

દરિયામાંથી ૧૮૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત

by Bansari Bhavsar

પોરબંદર: ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે હાથ ધરેલા એક ઓપરેશનમાં દરિયામાંથી આશરે ૧૮૦૦ કરોડ રૂપિયાની કિંમતના ૩૦૦ કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ૧૨-૧૩ એપ્રિલની રાત્રે કોસ્ટ ગાર્ડે ગુજરાત એટીએસની બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. કોસ્ટ ગાર્ડનું એક જહાજ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પેટ્રોલિંગ કરી રહ્યું હતું, ત્યારે તેને આ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એટીએસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડના જહાજે અંધારામાં એક શંકાસ્પદ બોટને શોધી કાઢી હતી. કોસ્ટ ગાર્ડનું જહાજ નજીક આવતા જોઈને બોટના ચાલકોએ નશીલા પદાર્થોનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને પોતાની બોટની મદદથી દરિયામાં ફેંકાયેલા જથ્થાને શોધી કાઢ્યો હતો અને બોટનો પીછો શરૂ કર્યો હતો. પરંતુ, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક હોવાથી અને શરૂઆતમાં બંને જહાજો વચ્ચેનું અંતર વધુ હોવાના કારણે શંકાસ્પદ બોટ સીમા ઓળંગીને ભાગી જવામાં સફળ રહી હતી.

કોસ્ટ ગાર્ડના જવાનોએ ભારે જહેમત બાદ દરિયામાંથી નશીલા પદાર્થોનો મોટો જથ્થો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા પદાર્થોને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા તાજેતરના વર્ષોમાં સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલું આ ૧૩મું સફળ ઓપરેશન છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે બંને એજન્સીઓના સહયોગને દર્શાવે છે.

Related Posts