અમદાવાદમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો કેસ

મહિલાને બાળક ન હોવાથી તેણે આવું કર્યું

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. તારીખ ૨૪ મે, ૨૦૨૫ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે લો ગાર્ડન બગીચામાંથી ચાર વર્ષ અને આઠ મહિનાની એક બાળકીનું અપહરણ થયું હતું.

અપહરણ થયેલી બાળકીનું નામ વૈદિકા ઉર્ફે પિયુ મહેશભાઈ ભીલ હતું. તેણે લાલ રંગનું ચોકડીવાળું શર્ટ અને ભૂરા રંગનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું. તેના વાળ બેબી કટમાં કાપેલા હતા, તેનું મોઢું ગોળ હતું, તેના ડાબા ગાલ પર સફેદ કોઢ જેવો ડાઘ હતો અને તેણે ગળામાં કાળો દોરો પહેર્યો હતો.

બાળકીના પરિવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત જ ગુનો દાખલ કર્યો અને તપાસ શરૂ કરી હતી. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૩૭(૨) હેઠળ નોંધાયો હતો.

પોલીસને આ કેસ ગંભીર લાગ્યો, તેથી ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓએ બાળકીને શોધવા માટે સાત અલગ-અલગ ટીમો બનાવી. પોલીસે લો ગાર્ડનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં એક મહિલા બાળકીને લઈ જતી દેખાઈ.

તપાસ કરતાં પોલીસને ખબર પડી કે આરોપી મહિલા રિવરફ્રન્ટ એલિસબ્રીજ વિસ્તારમાં છે. આથી, પોલીસે ત્યાં તપાસ કરી અને મહિલાને શોધી કાઢી. મહિલાનું નામ નિખિતા છે અને તેની ઉંમર ૩૦ વર્ષ છે. તે રવિવાર બજાર પાસે રહે છે.

પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાએ બાળકીની ઓળખ છુપાવવા માટે તેના કપડાં બદલી નાખ્યા હતા અને તેના વાળ કાપી નાખ્યા હતા. જ્યારે પોલીસે પૂછપરછ કરી, ત્યારે જાણવા મળ્યું કે મહિલાને પોતાના બાળકો નથી, તેથી તેણે આ કૃત્ય કર્યું હતું.

પોલીસે બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢી છે અને તેને તેના પરિવારને સોંપવાની કાર્યવાહી કરી રહી છે. આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.

Related Posts