અમદાવાદ: સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન ઠગાઈનો એક બનાવ સામે આવ્યો છે. ઘાટલોડિયાના શાયોના સિટી ક્વભાગ-૨ માં રહેતા એક યુવકને ઈન્સ્ટાગ્રામ પર થયેલી મિત્રતા ભારે પડી છે. અંદાજે ત્રણ વર્ષ પહેલાં મહિલાના નામવાળા એક ઈન્સ્ટાગ્રામ આઈડી સાથે યુવકની મિત્રતા થઈ હતી.
આ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આઈડી પર દુબઈના ફોટા જોઈને યુવકે વાતચીત શરૂ કરી હતી. સામેની વ્યક્તિએ પોતે દુબઈમાં રહેતી હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં અમદાવાદ આવવાની વાત કરી હતી. વધુમાં, દુબઈમાં મોબાઈલ ફોન સસ્તા મળતા હોવાનું જણાવતા યુવકે તેમને આઈફોન ૧૬ પ્રો મેક્સ નંગ-૧ તથા આઈ ફોન ૧૫ પ્રો મેક્સ નંગ-૧ એમ બે મોબાઈલ ફોન લાવવાનું કહ્યું હતું.
ત્યારબાદ તારીખ ૧૮/૦૪/૨૦૨૫ ના રોજ સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે તેઓ મુંબઈથી કરિયાણું ખરીદીને દુબઈ લઈ જવાના છે, જેનું બિલ ભરવા માટે તેમણે એક લીંક મોકલી. યુવકે તે લીંક પર પૈસા ભર્યા, જે રકમ મોબાઈલ ફોનની કિંમતમાં ગણવામાં આવશે તેમ જણાવાયું હતું. એટલું જ નહીં, ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવાથી ડિસ્કાઉન્ટ મળશે તેવી વાત કરીને વધુ ખરીદી કરવાનું કહ્યું અને યુવકના ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી ઓટીપી મંગાવી લીધો હતો. આ રીતે કુલ રૂપિયા ૧,૬૬,૫૭૨/- ટ્રાન્સફર કરાવી લીધા બાદ તે વ્યક્તિએ પોતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કરી નાખ્યું હતું અને મોબાઈલ ફોન પણ આપ્યા નહોતા.
આ અંગે યુવકે તારીખ ૨૮/૦૫/૨૦૨૫ ના રોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.પી.સોલંકી ચલાવી રહ્યા છે.