અમદાવાદ: વસ્ત્રાપુરમાં NRI ટાવરમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 5 ઝડપાયા

by Bansari Bhavsar

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં કાયદાનો ભંગ કરીને દારૂની મહેફિલ માણતા પાંચ વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળતા વસ્ત્રાપુર પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એક બંધ ફ્લેટમાંથી ત્રણ યુવતીઓ અને બે યુવકો દારૂ પીતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલો, મોબાઈલ ફોન સહિત કુલ ₹1.43 લાખનો મુદ્દામાલ કબજે કરી, તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે 11:30 વાગ્યે NRI ટાવરના A-વિંગમાં કેટલાક યુવક-યુવતીઓ દારૂ પીને ડાન્સ કરી રહ્યા હોવાનો મેસેજ મળ્યો હતો. આ માહિતીને ગંભીરતાથી લઈને વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ હતી. પોલીસ ટીમ ટાવરના ત્રીજા માળે આવેલા 304 નંબરના ફ્લેટ પર પહોંચી હતી. દરવાજો અંદરથી બંધ હોવા છતાં, પોલીસે ધક્કો મારતા તે ખુલી ગયો હતો. ફ્લેટમાં પ્રવેશ કરતા જ પોલીસે જોયું કે ડ્રોઈંગ રૂમમાં કેટલાક યુવક અને યુવતીઓ ગોળ કુંડાળું કરીને બેઠા હતા અને ટીપોઈ પર દારૂની બોટલો, વેફર, ગ્લાસ સહિતની વસ્તુઓ પડેલી હતી.

પોલીસે તુરંત જ કાર્યવાહી કરીને દારૂ પાર્ટીમાં સામેલ કલ્પિત ઠક્કર (ઉંમર 32), વિષ્ણુ ચેતન (ઉંમર 23) અને ત્રણ યુવતીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જે મકાનમાં આ દારૂ પાર્ટી ચાલી રહી હતી તે મકાન દારૂ પાર્ટીમાં સામેલ એક યુવતીએ છેલ્લા બે મહિનાથી ભાડે રાખ્યું હતું.

વસ્ત્રાપુર પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના શહેરમાં દારૂબંધીના કાયદાના અમલ સામે ફરી એકવાર સવાલો ઉભા કરે છે.

Related Posts