અમદાવાદ, 22 જુલાઈ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર અને પ્રતિબંધિત ઈ-સિગારેટ તથા અન્ય સંબંધિત મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા મુદ્દામાલની કુલ કિંમત Rs.૧,૩૦,૬૨૫/- છે.
ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે, અમદાવાદ શહેર, એરપોર્ટ, હાંસોલ તલાવડી પાસે આવેલા ઈશ્વર ચશ્માઘરની બાજુમાં આવેલી આનંદ પાન પાર્લર નામની દુકાનમાંથી આરોપી મયુર કિશોરકુમાર મુલચંદાણી (ઉ.વ. ૨૯, રહે. મ.નં. ૧૩૯/ડી, સિંધિ કોલોની, એરપોર્ટ રોડ, એરપોર્ટ, અમદાવાદ શહેર) ને પકડવામાં આવ્યો છે.
પોલીસે તેની પાસેથી પાસ-પરમિટ વગરની જુદી જુદી ફ્લેવરની ૯૧ નંગ વેપ (ઈ-સિગારેટ) જપ્ત કરી છે, જેની કિંમત Rs.૧,૨૭,૪૦૦/- છે. આ ઉપરાંત, ૧૭ નંગ વોર્નિંગ વગરના સિગારેટના પેકેટો (કિંમત Rs.૨,૫૫૦/-) અને ૪૫ નંગ કાગળના સ્ટીક રોલ (કિંમત Rs.૬૭૫/-) પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આરોપી મયુર કિશોરકુમાર મુલચંદાણી સામે અગાઉ પણ ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ઈ-સિગારેટના ગુના નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા તથા આવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.