ગુજરાત ATSની મોટી સફળતા: અલકાયદાની મહિલા આતંકવાદી સામા પરવીન બેંગલુરુથી ઝડપાઈ

30 વર્ષીય સામા પરવીન કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે

by Bansari Bhavsar

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા આતંકવાદી સામા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા અલકાયદાના ઓનલાઈન આતંકી મોડ્યૂલની મુખ્ય ષડયંત્રકારી હોવાનું અને અત્યંત કટ્ટરવાદી વિચારધારા ધરાવતી હોવાનું માનવામાં આવે છે.

ગુજરાત ATSના DIG સુનીલ જોષીએ આ ધરપકડને એક અત્યંત મહત્વપૂર્ણ સફળતા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલાં પણ ATSએ અલકાયદા સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમાં દિલ્હીથી મોહમ્મદ ફૈક, અમદાવાદથી મોહમ્મદ ફરદીન, અરવલ્લીના મોડાસાથી સૈફુલ્લા કુરૈશી અને નોઈડાથી ઝીશાન અલીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા અલકાયદાની કટ્ટરવાદી વિચારધારા ફેલાવવામાં સક્રિય હતા અને યુવાનોને આતંકવાદી ગતિવિધિઓ માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હતા.

સામા પરવીનની ધરપકડ બાદ ગુજરાત ATS તેની સઘન પૂછપરછ કરી રહી છે. તપાસ એજન્સીએ તેના મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં તપાસ માટે મોકલી આપ્યા છે, જેથી તેની આતંકવાદી પ્રવૃત્તિઓ અને તેના સંપર્કો વિશે વધુ માહિતી મેળવી શકાય.

ATS દ્વારા આ ઓપરેશન લાંબા સમયથી ચાલી રહ્યું હતું, જેમાં આ આતંકવાદીઓ પર સતત નજર રાખવામાં આવી હતી. ગુપ્ત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે આખરે સફળ રહી.

આ ધરપકડ દેશની આંતરિક સુરક્ષા માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે, કારણ કે આ આતંકવાદીઓ ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હોવાની આશંકા છે. ગુજરાત ATSની આ સક્રિય કાર્યવાહીથી આતંકવાદી ગતિવિધિઓને અંકુશમાં લેવામાં અને દેશને મોટા સંભવિત ખતરાથી બચાવવામાં મોટી મદદ મળી છે. ATS દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી ચાલુ છે.

Related Posts