અમદાવાદ: અમદાવાદના પકવાન બ્રિજ પાસે બનેલા છરી મારવાના ગુનાનો ભેદ વસ્ત્રાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઘટના બન્યા બાદ, પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરે ગુનાઓ અટકાવવા અને ઉકેલવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૧૮(૨), ૧૧૫(૨), ૫૪ અને જી.પી. એક્ટ-૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ, સબ-ઇન્સ્પેક્ટર આર.એલ. પટેલે સર્વેલન્સ સ્ક્વોડ સાથે મળીને તપાસ શરૂ કરી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આરોપીઓ જે વાહન પર આવ્યા હતા તેનો નંબર GJ01VG0539 મેળવ્યો. આ નંબરના આધારે પોલીસે વાહનના માલિકની માહિતી મેળવી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી.
પોલીસે ત્રણ આરોપીઓ – તેજસ ખોડીદાસ ઉર્ફે મહેશભાઇ સોલંકી (ઉંમર ૨૨), યુગ દિલીપભાઇ પારેખ (ઉંમર ૨૦) અને અજય મનોજભાઇ જાદવ (ઉંમર ૨૨) ને પકડી પાડ્યા. આ ત્રણેય આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલું કાળા રંગનું એક્ટિવા (GJ01VG0539) અને એક છરી જપ્ત કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ૨૫,૦૦૦ રૂપિયા છે.
પકડાયેલા આરોપીઓનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેજસ સોલંકી અને યુગ પારેખ વિરુદ્ધ ગાયકવાડ હવેલી, કાગડાપીઠ અને ઇસનપુર જેવા પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. અજય જાદવ વિરુદ્ધ પણ કાગડાપીઠ, ખોખરા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે.
આ કામગીરીમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં પો.સ.ઇ. આર.એલ. પટેલ, એ.એસ.આઈ. વનરાજસિંહ બચુભાઇ અને અન્ય સભ્યો સામેલ હતા, તેમની પ્રશંસનીય કામગીરી રહી છે.