પાલડીમાં ઘરઘાટી જ લાખોની ઘરફોડ ચોરી કરી ફરાર: ૪૮ લાખના દાગીના અને રોકડ મળી કુલ ₹૪૯.૬૨ લાખની મતા સાફ

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં ઘરઘાટી રાખીને રહેતા નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો પાલડી વિસ્તારમાંથી સામે આવ્યો છે. પાલડીમાં આવેલી ગૌતમીબાગ સોસાયટીમાં રહેતા એક પરિવારના વિશ્વાસુ ઘરઘાટીએ જ ઘરમાંથી અંદાજે ૫૦ લાખ રૂપિયાની મતાની ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

​ચાવી મેળવી કબાટો સાફ કર્યા

​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાલડી સુવિધા શોપિંગ સેન્ટર સામે આવેલી ગૌતમીબાગ સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય કરણભાઈ હેલભાઈ શાહે ગત તારીખ ૧૩/૦૭/૨૦૨૬ના રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

​તેમની ફરિયાદ અનુસાર, તેમના ઘરમાં સાથે રહેતો અને ઘરઘાટી તરીકે કામ કરતો આરોપી કમલેશ મીણા (મૂળ રહેવાસી: અમલવા સલુમ્બર, ઉદયપુર, રાજસ્થાન) તારીખ ૦૯/૦૭/૨૦૨૬ના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યાથી તારીખ ૧૩/૦૭/૨૦૨૬ના બપોરે ૧:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરમાં એકલો હતો. આ દરમિયાન આરોપી કમલેશે કોઈક રીતે કરણભાઈના બેડરૂમમાં આવેલા બંને કબાટોની ચાવી મેળવી લીધી હતી. ચાવીથી કબાટ ખોલીને તેને અંદર રાખેલા સોનાના કિંમતી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી.

​ચોરી થયેલી મતાની વિગત:

​સોનાના દાગીના: કિંમત રૂપિયા ૪૮,૧૬,૦૦૦/-

​રોકડ રકમ: રૂપિયા ૧,૪૬,૦૦૦/-

​કુલ મતા: રૂપિયા ૪૯,૬૨,૦૦૦/-

​પોલીસ તપાસ શરૂ

​પરિવારને ચોરી અંગે જાણ થતાં જ તેઓએ તાત્કાલિક પાલડી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે કુલ ₹૪૯,૬૨,૦૦૦/- ની ચોરી અંગે ગુનો નોંધી રાજસ્થાનના આરોપી ઘરઘાટીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ હાઈપ્રોફાઈલ ચોરીના ગુનાની વધુ તપાસ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (પો.ઇ.) શ્રી બી.પી. ભેટારીયા ચલાવી રહ્યા છે.

Related Posts