ભારે તબાહી વેરશે વાવાઝોડું ‘ખાનૂન’, 200 કિમી પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યું છે આગળ

by ND
Typhoon Khanun, News Inside

Typhoon Khanun। દક્ષિણ જાપાનમાં શક્તિશાળી વાવાઝોડા ‘ખાનૂન’એ તબાહી મચાવી છે. શક્તિશાળી વાવાઝોડું ખાનૂન અત્યારે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી દ્વારા ઓકિનાવા અને કાગેશિમા ક્ષેત્રના દક્ષિણ ભાગમાં રહેતા 6 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી રહી છે. ખાનૂન વાવાઝોડાના કારણે જાપાનમાં 510 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તો જાપાનના દોઢથી બે લાખ ઘરોમાં વીજ કનેક્શન ખોરવાયું છે અને અંધારપટ્ટ છવાઈ ગયો છે. વાવાઝોડાની અસરને કારણે વીજળીના થાંભલાઓ પડી ગયા છે.

તાઈવાનની શાળાઓમાં રજા જાહેર કરાઈ
આ વાવાઝોડાને કારણે તાઈવાનમાં ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે વાહન વ્યવહારને પણ ઘણી અસર થઈ છે. હાલ જાપાન અને તાઇવાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ શક્તિશાળી ખાનૂન વાવાઝોડાને પગલે ચીને પણ તકેદારીના પગલા ભરવાના શરૂ કરી દીધા છે. ચીનમાં પણ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

‘ડોકસુરી’ બાદ ચીન પર ખાનૂનનો ખતરો
અત્રે જણાવી દઈએ કે, તાજેતરમાં જ ડોકસુરી નામનું વાવાઝોડું ચીનમાં ત્રાટક્યું હતું. જેના કારણે ચીનમાં ભારે નુકસાન થયું છે. ખતરનાક વાવાઝોડાના કારણે આવેલા અતિભારે વરસાદના કારણે ચીનના બેઈજીંગમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી, તો કેટલાક વાહનો પણ પાણીમાં તણાયા હતા. સાથે જ કેટલાક ગામો પણ ડૂબી ગયા હતા અને રસ્તાઓ ધોવાઈ ગયા હતા. ત્યારે હવે ચીન પર ખાનૂન વાવાઝોડાનો ખતરો વધી ગયો છે. આ વાવાઝોડું ચીનના મોટાભાગના વિસ્તારો પર અસર કરે તેવી સંભાવાના સેવાઈ રહી છે. આ વાવાઝોડું જાપાન, ચીન અને તાઈવાનને અસર કરી શકે છે. જેથી સંભવિત વાવાઝોડાને લઈને અગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ફ્લાઇટો રદ્દ કરતા 65 હજારથી વધુ મુસાફરોને ભોગવવી પડી મુશ્કેલી
દક્ષિણ જાપાનમાં આવેલા શક્તિશાળી વાવાઝોડા ખાનૂનને કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઇટો રદ કરવામાં આવતા 65 હજારથી વધુ મુસાફરોને અસર થઈ છે. ફ્લાઇટો રદ કરાતા એરપોર્ટ પર મુસાફરોની લાઈનો લાગી છે. તો વીજળી ગુલ થઈ જતાં હજારો લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જાપાની હવામાન એજન્સી અનુસાર, ખૂબ જ શક્તિશાળી વાવાઝોડું ખાનૂન પ્રતિ કલાક 200 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, ઓકિનાવા અને કાગોશિમા ક્ષેત્રના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ત્યાંથી નીકળી જવા સતત ચેતવણી આપવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં 6,90,000થી વધુ લોકો રહે છે, જેમને સુરક્ષિત સ્થળોએ જવા માટે સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે.

 

Related Posts