પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. આવતીકાલે શનિવારે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી રાજકોટ ખાતે બેઠક કરશે. મુખ્ય કોર કમિટી રાજકોટ ખાતે કરણી સેના દ્વારા આયોજિત મહારેલી અને આવેદનપત્રના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તેમજ બેઠકમાં રાજકોટમાં મહાસંમેલન કરવાની તારીખ અને સમય, સ્થળ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવશે.
રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીના સભ્ય અને આગેવાન રમજુભા જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે મહાસંમેલન યોજાશે તેવી સત્તાવાર જાહેરાત અને તારીખ જાહેર કરવામાં આવી જ નહોતી. મહાસંમેલનનું આયોજન કરવા માટે હજી મુખ્ય કોર કમિટીની બેઠક મળવાની બાકી હતી. જેમાં રાજકોટમાં મહાસંમેલન કયા સ્થળે અને કઈ તારીખે યોજવું તે અંગે વિચારણા કરવાની બાકી છે. જે તારીખે રાજકોટમાં મહાસંમેલન યોજવાનું હતું તે વ્યક્તિગત જાહેરાત કરવામાં હતી. પરંતુ રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.