ગાંધીનગર: રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)એ ગાંધીનગર આરટીઓ કચેરીમાં સફળ ડીકોય ઓપરેશન પાર પાડીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ બંને વ્યક્તિઓ પર અરજદારો પાસેથી માત્ર હજાર રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.
એસીબીને મળેલી માહિતી અનુસાર, ગાંધીનગર આરટીઓ કચેરીમાં અરજદારો પાસેથી ઓનલાઇન કામગીરી માટે નાની રકમની લાંચ માંગવામાં આવતી હતી. આ માહિતીના આધારે એસીબીએ એક ડીકોય ગોઠવી હતી. ડીકોય જ્યારે પોતાના અસીલોના બે કોમર્શિયલ વાહનોનો આજીવન ટેક્સ ભરવા માટે આરટીઓ કચેરી પહોંચ્યા, ત્યારે આરોપી હિતેન્દ્રસિંહ પરમારે તેમને દિપેનભાઈ ઉર્ફે ચિન્ટુને મળવાનું કહ્યું. દિપેનભાઈએ કરેક્શન ફોર્મમાં સહી કરી અને હિતેન્દ્રસિંહ પાસે મોકલતા, તેમણે પણ સહી કરી. ત્યારબાદ દિપેનભાઈએ ડીકોયર પાસેથી 1000 રૂપિયાની લાંચની માંગણી કરી અને સ્વીકારી. આ રીતે બંને આરોપીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા.
એસીબીએ બંને આરોપીઓ પાસેથી લાંચની રકમ જપ્ત કરી છે અને તેમની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ગાંધીનગર આરટીઓ કચેરીમાં ચકચાર મચાવી દીધી છે. એસીબીની આ કાર્યવાહી ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે એક ચેતવણી સમાન છે.