અમદાવાદના નેક્સા શોરૂમમાં ગાડી બુકિંગના પૈસામાં ગોટાળો: 9.65 લાખની છેતરપિંડી, પાંચ લોકો સામે ફરિયાદ

by Bansari Bhavsar

અમદાવાદ, 15 જુલાઈ 2025: અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા એક જાણીતા કાર શોરૂમમાં ગ્રાહકો દ્વારા ગાડી બુક કરાવવા માટે આપવામાં આવેલા લાખો રૂપિયાનો ગોટાળો થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શું છે બનાવ?

ઉસ્માનપુરા વીડિયોકોન એરીઝોન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા “મારુતિ નેક્સા શોરૂમ”માં આ ઘટના બની છે. તેજસભાઈ ભીખાભાઈ પટેલ નામના એક વ્યક્તિએ 13 જુલાઈ 2025 ના રોજ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, જૂન 2024 થી અત્યાર સુધીમાં શોરૂમના કર્મચારીઓએ ભેગા મળીને ગ્રાહકો પાસેથી ગાડી બુક કરાવવા માટે કુલ 9,65,553 રૂપિયા લીધા હતા.

કોણે કોણે છેતરપિંડી કરી?

ફરિયાદમાં પાંચ લોકોના નામ આપવામાં આવ્યા છે:

* હિતેશભાઈ પ્રભુભાઈ પટેલ (શોરૂમના મેનેજર, રહે. ઓનસટ સુપરસીટી, સાઈઝ)

* સંજય વિષ્ણુભાઈ પટેલ (રહે. હોમ ટાઉન-૨, ન્યુ રાણીપ)

* વિવેક ભાવેશભાઈ કેલૈયા (સીનિયર રિલેશનશીપ મેનેજર, રહે. કુરમી પાકટ, નિકોલ ગામ)

* ધ્રુવ યોગેશભાઈ કાનાણી (રિલેશનશીપ મેનેજર, રહે. કેસર હીલ, હંસપુરા)

* જૈમિન ભરતભાઈ પંચાલ (રિલેશનશીપ મેનેજર, રહે. ગોકુલધામ સોસાયટી, નવા વાડજ)

આ તમામ લોકોએ ગ્રાહકો પાસેથી લીધેલી આ મોટી રકમ “પોપ્યુલર વિલ્સટ પ્રા.લી” નામની કંપનીમાં જમા કરાવી ન હતી. તેના બદલે તેમણે આ પૈસાનો ગેરઉપયોગ કરીને કંપની અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

પોલીસ તપાસ શરૂ

વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. હેડ કોન્સ્ટેબલ શ્રી મુકેશભાઈ પોપટભાઈ આ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે. આ ઘટનાથી કાર ખરીદવા જતા ગ્રાહકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

Related Posts