અમદાવાદમાં અપહરણ અને હત્યા કેસ: ચાંદખેડા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

by Bansari Bhavsar

અમદાવાદ, [11 જુલાઈ]: ચાંદખેડા પોલીસે અપહરણ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

શું બન્યું?

ગત ૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ રાત્રે લગભગ ૧૧:૪૫ વાગ્યે, અજય ચેપાજી ઠાકોર (ઉંમર ૨૦), જે ચાંદખેડાનો રહેવાસી છે, તે તેના મિત્ર દર્શીલ ઉર્ફે ભટ્ટી ગણપતભાઈ સામઢીયા સાથે રિક્ષામાં શિવશક્તિ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખીને બળદેવ ઉર્ફે તાવડી ઠાકોર, નિકુલ મનુજી ઠાકોર, કાવ્ય ચૌહાણ (સી.કે.), પાર્થ બારોટ અને અન્ય અજાણ્યા ઈસમો એક સફેદ કલરની અર્ટિગા ગાડીમાં આવ્યા.

તેમણે અજયની રિક્ષાને ઓવરટેક કરી, અજયને ગાળો બોલી અને ગાડીમાંથી ઉતરીને અજય તથા તેના મિત્રને ભાગવાનો પ્રયાસ કરતા અટકાવ્યા. અજય પડી જતા, તેને જબરદસ્તીથી અર્ટિગા ગાડીમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું.

ત્યારબાદ આરોપીઓએ અજયને કોઈ અન્ય જગ્યાએ લઈ જઈ, પૂર્વ આયોજિત કાવતરું રચી તેને જાનથી મારી નાખવાના ઈરાદે પાઈપ કે ધોકા જેવા હથિયારો વડે માર માર્યો. આ હુમલામાં અજયને ડાબા પગના ઘૂંટણના ભાગે, જમણા પગના પાનીથી ઉપરના ભાગે અને ડાબા હાથની કોણીના ભાગે ફ્રેક્ચર થયું. ઉપરાંત, તેની છાતીમાં પાંસળીઓના ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ.

ગંભીર રીતે ઘવાયેલા અજય ચેપાજી ઠાકોરને સારવાર માટે સિવિલ અસારવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો. આરોપીઓએ પોલીસ કમિશનરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

પોલીસની કાર્યવાહી

આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૧, નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ અને મદદનીશ પોલીસ કમિશનર “એલ” ડિવિઝન દ્વારા યોગ્ય તપાસ કરીને આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી.

ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પો.સ.ઈ. એસ.વી. પાંડે અને તેમની ટીમોએ આરોપીઓ અને મુદ્દામાલ શોધવા માટે કામગીરી શરૂ કરી.

સર્વેલન્સ સ્ક્વોડના HC ધર્મેન્દ્રસિંહ તીખુસિંહ (બં.નં. ૭૪૭૪) અને PC આનંદભાઈ રામજીભાઈ (બં.નં. ૩૪૦૦) ને ગુપ્ત બાતમી મળી કે આરોપીઓ પાંચોટ ચાર રસ્તા, મહેસાણા ખાતે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા.

પકડાયેલા આરોપીઓ:

* બળદેવજી ઉર્ફે તાવડી રામસંગજી ઠાકોર: ઉંમર ૫૪, ધંધો-મજૂરી, રહે. હુડકાના મકાન, વિસતમાતાનો વાસ, ચાંદખેડા, અમદાવાદ શહેર.

* પાર્થ કિશોરસિંહ રાવ (બારોટ): ઉંમર ૪૧, ધંધો-ખેતીવાડી, રહે. એચ/૪૦૧, આશ્રય રેસીડેન્સી, ચાંદખેડા રેલવે સ્ટેશનની સામે, ચાંદખેડા, અમદાવાદ શહેર.

* નિકુલ મનુભાઈ ઠાકોર: ઉંમર ૨૯, ધંધો-બેકાર, રહે. ઠાકોરવાસ (હુડકાના મકાન), વિસતમાતાનો વાસ, ચાંદખેડા, અમદાવાદ શહેર.

પોલીસે ઉપરોક્ત ગુનાના કામે ત્રણેય આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Related Posts