ચાંદખેડા પોલીસે ₹9.85 લાખનો દારૂ ઝડપ્યો

હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે

by Bansari Bhavsar

ચાંદખેડા પોલીસે વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે એક હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી કુલ 1247 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે. આ દારૂની કિંમત Rs.3,85,165/- છે. ગાડી સહિત કુલ Rs.9,85,165/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી, ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુરુવાર, 10 જુલાઈ 2025 ના રોજ, સર્વેલન્સ સ્ક્વોડના પો.સ.ઇ. એસ.વી. પાંડે અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ ટીમમાં મ.સ.ઇ. ચંદ્રસિંહ જસવંતસિંહ, અ.હેડ.કોન્સ. પ્રફુલભાઇ ભાણજીભાઇ, અનાર્મ પો.કોન્સ. વિજયકુમાર રણછોડભાઇ અને અ.પો.કોન્સ. વરૂણકુમાર તીરથભાઇ સામેલ હતા.

પેટ્રોલિંગ દરમિયાન, અનાર્મ પો.કોન્સ. વિજયકુમાર રણછોડભાઇને ખાનગી બાતમી મળી હતી કે, “એક સફેદ હ્યુન્ડાઈ ક્રેટા કાર (નંબર: GJ-18-BQ-2108) માં ગેરકાયદેસર વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે”.

આ બાતમીના આધારે, પોલીસે તપોવન સર્કલથી વિસત સર્કલ તરફ જતા ખોડીયાર ટી સ્ટોલ પાસે, ટાટા મોટર્સ સર્વિસ સેન્ટરની સામે રોડ પર GJ-18-BQ-2108 નંબરની સફેદ હ્યુન્ડાઈ ક્રેટા કારને રોકી.

કારની તપાસ કરતા, તેમાંથી 72 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ (કિંમત Rs.79,200/-), 863 ક્વાર્ટર (કિંમત Rs.2,37,325/-), અને 312 બિયર (કિંમત Rs.68,640/-) મળી આવ્યા. આ ઉપરાંત, Rs.6,00,000/- ની કિંમતની ગાડી પણ જપ્ત કરવામાં આવી. આમ, કુલ Rs.9,85,165/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Related Posts