એલ.જી. હોસ્પિટલે ૩ વર્ષના બાળકની દુર્લભ જન્મજાત આંતરડાની ખામીની સર્જરી સફળતાપૂર્વક પાર પાડી

by Bansari Bhavsar

અમદાવાદ, 15 જુલાઈ ૨૦૨૫: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ, જે શહેરના પૂર્વ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તાત્કાલિક મફત સારવાર અને રાહત દરે અદ્યતન સુવિધા પૂરી પાડે છે, ત્યાં એક ૩ વર્ષના બાળ દર્દીની જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૩૨૦૦ જેટલા દર્દીઓ ઓ.પી.ડી.માં સારવાર મેળવે છે.

૩ વર્ષના બાળકને છેલ્લા ૭ દિવસથી સતત ઉલટી, પેટમાં દુખાવો, પેટ ફૂલી જવું અને ઝાડો બંધ થઈ જવાની તકલીફો હતી. ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને ઇન્જેક્શન આપવા છતાં રોગ પકડાતો ન હતો, તેથી બાળકને એલ.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.

હોસ્પિટલમાં બાળકને દાખલ કરીને લોહીના રિપોર્ટ અને સોનોગ્રાફી કરવામાં આવી, જેમાં આંતરડામાં અવરોધ સિવાય અન્ય કોઈ કારણ જણાયું નહીં. દવાઓ ચાલુ રાખીને સીટી સ્કેન કરાવવાનો નિર્ણય લેવાયો, જેમાં પણ નાના આંતરડામાં અવરોધ જણાયો, પરંતુ સ્પષ્ટ કારણ જાણી શકાયું નહીં.

ડોકટરોએ જણાવ્યું કે બાળકને Vitellointestinal duct સંબંધિત બીમારી હતી. ગર્ભાવસ્થા દરમિયાન આંતરડાના વિકાસ સમયે જે જોડાણ પોષણ માટે હોય છે, તે સમય જતાં (૮ થી ૯ અઠવાડિયે) વિલુપ્ત થઈ જાય છે અને માત્ર નાભિનો ભાગ રહે છે. ક્યારેક આ જોડાણ રહી જાય છે, જેનાથી Meckel’s Diverticulum, Umbilical fistula અથવા Urachal sinus જેવી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે. સામાન્ય રીતે, આ વિશેષ પરિસ્થિતિ ૨ થી ૬૦ વર્ષની વ્યક્તિમાં કોઈ ગૂંચવણ ઊભી થાય ત્યારે જોવા મળે છે, જેમાં આંતરડામાં ચેપ, આંતરડામાં અવરોધ (intestinal obstruction) અથવા નાભિમાંથી પરુ કે પાણી નીકળવું જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. Meckel’s Diverticulum અને umbilical sinus બંને ૨% લોકોમાં જોવા મળે છે, અને તેમાં પણ આંતરડામાં અવરોધ (intestinal obstruction) ખૂબ જ દુર્લભ પરિસ્થિતિ છે.

આ કિસ્સામાં, Meckel’s Diverticulum થી એક ગોળ ફરતો બેન્ડ (દોરી આકાર) આંતરડાની ફરતે બન્યો હતો, જે આંતરડામાં અવરોધ ઊભો કરતો હતો. આ પરિસ્થિતિ સામાન્ય રીતે સીટી સ્કેનમાં દેખી શકાતી નથી અને તેના માટે ક્લિનિકલ નિદાન પર જ આધાર રાખવો પડે છે.

દર્દીને તાત્કાલિક ઓપરેશનમાં લેવાનો નિર્ણય લેવાયો, કારણ કે વધુ સમય રાહ જોવામાં આવે તો પેટમાં ચેપ ફેલાવાની, આંતરડામાં કાણું પડવાની અથવા ક્ષાર (Electrolytes imbalance) ની અનિયમિતતા તથા તેના કારણે કિડની પર અસર થવાની શક્યતા હતી. ઓપરેશન દરમિયાન Meckel’s Diverticulum ના બેન્ડ (દોરી) ના કારણે આંતરડામાં અવરોધ ઊભો થયો હતો અને Umbilical sinus પણ બનેલું હતું. ડોકટરોએ જણાવ્યું કે આ પરિસ્થિતિ ખૂબ જ દુર્લભ છે, જે લગભગ <૧% વ્યક્તિઓમાં જ જોવા મળે છે અને તે જન્મજાત અથવા congenital હોય છે.

સર્જરી દરમિયાન, આ બેન્ડને દૂર કરીને Meckel’s Diverticulum વાળો ભાગ આંતરડાથી અલગ કરીને આંતરડાને ફરીથી જોડવામાં આવ્યું, જેથી ભવિષ્યમાં આ પરિસ્થિતિ ફરીથી ન થાય. બાળકોમાં થતાં ઓપરેશન હંમેશા ખૂબ જ કાળજીપૂર્વક કરવા પડે છે અને આવી દુર્લભ પરિસ્થિતિનું નિદાન કરવા માટે અનુભવ અને ચીવટની જરૂર પડે છે.

આ સફળ સર્જરી સર્જરી વિભાગના વડા ડો. અસિત પટેલ તથા ડો. હિતેશ અંધારિયા (યુનિટ હેડ) ના માર્ગદર્શનમાં ડો. તપન શાહ, ડો. મુકેશ સુવેરા (યુનિટ હેડ), ડો. આકાશ રાઠોડ, ડો. ધ્રુવેશ શેઠ, ડો. નિશિત ચૌધરી તથા ડો. ધવલ મનુન્દ્રા અને સર્જરી યુનિટના અન્ય ડોક્ટર તથા એનેસ્થેશિયા વિભાગના ડોક્ટર દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. હાલમાં દર્દીની પરિસ્થિતિ સારી છે અને ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

 

Related Posts