ચાંદખેડા પોલીસે જુગાર રમતા ૫ ઈસમોને રૂ. ૭૯,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપ્યા

by Bansari Bhavsar

અમદાવાદ, [૧૭ જુલાઈ, ૨૦૨૫]: અમદાવાદ શહેરમાં જુગાર અને પ્રોહીબીશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ચાંદખેડા પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, ગત રાત્રિના ૧૬/૦૭/૨૦૨૫ ના રોજ ચાંદખેડા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ગંજીપાના વડે નાણાંની હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂ. ૭૯,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગંજીપાનાનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં દિપકભાઇ મકવાણા, મનોજ સોની, નયન ઝાલા, અને મહેશ ભરવાડનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ. એન.જી. સોલંકી અને પી.એસ.આઈ. વી.જી. ડાભીના માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરી પાર પાડવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Related Posts