અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાગરિકો સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે છેતરપિંડી કરતી એક સાયબર ક્રાઈમ ગેંગના છ સભ્યોને પકડ્યા છે. આ ગેંગના લોકો TRAI અધિકારી બનીને લોકોને ધમકાવતા હતા કે તેમનો ફોન બે કલાકમાં બંધ થઈ જશે અને તેમને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવશે.
અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 31 મે, 2025 થી 6 જૂન, 2025 દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર પરથી બોમ્બે CBIમાંથી હોવાનો ઢોંગ કરીને એક ફરિયાદી પાસેથી રૂ. 1,36,00,000/- RTGS દ્વારા પડાવવામાં આવ્યા હતા. આરોપીઓએ પોલીસ યુનિફોર્મ, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનો સિક્કો, જજ ગોગોઈ સાહેબનું નામ અને CBI ડિપાર્ટમેન્ટ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ શ્રી નીરજકુમાર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, ડિરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ, મુંબઈના સિક્કાવાળા લેટરનો ઉપયોગ કર્યો હતો. તેઓએ ફરિયાદીને ધરપકડ વોરંટ બતાવી, ડરાવી-ધમકાવી, અને વોટ્સએપ વિડીયો કોલ દ્વારા તેમના બેંક ખાતામાં રૂ. 2 કરોડ બ્લેક મની હોવાનું કહી છેતરપિંડી કરી હતી. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા અને આઈ.ટી. એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
આ ગુનામાં સામેલ આરોપીઓને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને ઓળખી કાઢવામાં આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને તેમને પકડવામાં આવ્યા.
પકડાયેલા આરોપીઓ:
* નિશાંત અશોકકુમાર રાઠોડ (ઉંમર-43)
* યશ (ઉર્ફે -ચુચુ) સુરેશભાઇ પટેલ (ઉંમર-25)
* કુલદીપ જેઠારામભાઇ જોશી (ઉંમર-20)
* હીતેશ મફાભાઇ ચૌધરી (ઉંમર-26)
* સિદ્ધરાજ રાણજી ચૌહાણ (ઉંમર-22)
* જગદીશ જીવાભાઇ ચૌધરી (ઉંમર-27)
કેવી રીતે કરતા હતા છેતરપિંડી:
આરોપી નિશાંત રાઠોડ અને યશ પટેલ ઇન્ડસ બેંકમાં કરંટ ખાતા ખોલાવી તેમાં છેતરપિંડીના પૈસા જમા કરાવવા માટે બેંકના ખાતાની લિંક સાથે મોબાઈલ નંબર આપતા હતા. નિશાંત રાઠોડે યશ પટેલના કહેવાથી બંધન બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તેના માટે નવું સિમ કાર્ડ પણ યશ પટેલને આપ્યું હતું. યશ પટેલે આ સિમ કાર્ડ તેના કોઈ મિત્રને કમિશન માટે આપ્યું હતું. વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારની નાણાકીય છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં આરોપી 2025થી જામીન પર મુક્ત છે.
અન્ય આરોપીઓ કુલદીપ જોશી, હીતેશ ચૌધરી, સિદ્ધરાજ ચૌહાણ અને જગદીશ ચૌધરીએ યશ પટેલ પાસેથી નિશાંત રાઠોડનું બંધન બેંકનું કરંટ એકાઉન્ટ ચલાવવા માટે લીધું હતું. ત્યારબાદ, હીતેશે OTP બાઉન્સ એપથી પોતાના ફોનમાં એકાઉન્ટ ચેક કર્યું અને તે એકાઉન્ટ જગદીશને મોકલ્યું. જગદીશ ટેલિગ્રામ દ્વારા આ એકાઉન્ટ અન્ય દેશના લોકોને મોકલતો હતો. આમ, બધા ભેગા મળીને નાણાકીય છેતરપિંડી કરતા હતા.
સાયબર ક્રાઈમથી બચવા માટેની સૂચનાઓ:
અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે લોકોને ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવા જણાવ્યું છે. ઠગ સરકારી અધિકારી બનીને કહે છે કે તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ કે બેંક ખાતા સંબંધિત ગુનો થયો છે અને તમને ડિજિટલ રીતે પકડવામાં આવશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સરકારી સંસ્થા ફોન પર ‘ડિજિટલ અટકાયત’ કરતી નથી.
કોઈ પણ અજાણ્યા કોલ કે મેસેજ પર તમારી અંગત માહિતી આપશો નહીં. સાચી માહિતી માટે હંમેશા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. જો તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય, તો ગભરાશો નહીં. તરત જ 1930 પર ફોન કરો અથવા www.cybercrime.gov.in વેબસાઇટની મુલાકાત લો. “તમે જાગૃત રહેશો તો સમાજ સુરક્ષિત રહેશે!”.