અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૫: અમદાવાદમાં એક મોટા આર્થિક ગુનાનો ખુલાસો થયો છે. શહેરના લાંભા વિસ્તારમાં રહેતા નિકુંજભાઈ મહેન્દ્રભાઈ દવે (ઉ.વ.૩૫) એ ક્રાઈમ બ્રાન્ચમાં ૧.૭૭ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે દિલ્હી અને ગુડગાંવ સ્થિત બે કંપનીઓના ડાયરેક્ટર અને માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
નિકુંજભાઈ દવેની ફરિયાદ મુજબ, ૩૧ મે, ૨૦૧૯ થી ૧૫ માર્ચ, ૨૦૨૧ દરમિયાન “ડી.કે.વેર હાઉસ, પીપળજ પીરાર્ા રોડ” ખાતે આરોપીઓએ તેમની સાથે છેતરપિંડી આચરી હતી. “બેસ્ટ પોલીકેમ પ્રા.લી.” કંપનીના ડાયરેક્ટરો ગંગા પ્રસાદ શુક્લા, સલીલ સ/ઓ સંજીવભાઈ ધવન, સિતા રામ (તમામ દિલ્હીના) અને “શેષ એન્ટરપ્રાઈઝ” ના માલિક સંજીવ ધવન (દિલ્હી અને ગુડગાંવના) એ ભેગા મળી આ ગુનાને અંજામ આપ્યો હતો.
આરોપીઓએ નિકુંજભાઈ પાસેથી ડેનિમ ફેબ્રિક્સનો માલ ખરીદ્યો હતો અને તેનું પેમેન્ટ ૩૦ દિવસમાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે, માલના રૂપિયા ૧,૭૬,૨૬,૯૫૬/- અને ડેબિટ નોટના રૂપિયા ૧,૦૩,૮૬૦/- મળીને કુલ રૂપિયા ૧,૭૭,૩૦,૮૧૬/- ની રકમ નિકુંજભાઈને ચૂકવવામાં આવી નથી. વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓએ પૈસા પરત ન આપતા, નિકુંજભાઈએ છેવટે પોલીસનો આશરો લીધો છે.
ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો
આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. પટેલ આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર વેપાર-ધંધામાં સાવચેતી રાખવા અને લેખિત કરારોનું પાલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે.