Ahmedabad Police’s Master Plan
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધતા જતા ઔદ્યોગિક એકમો અને ટ્રાફિકના ભારણને પહોંચી વળવા માટે ‘ઝોન-8’ ની રચના સાથે શહેર પોલીસના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે રામોલ અને ઓઢવ સહિતના વિસ્તારોની મુલાકાત લઈને આ નવી વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો છે.
ઝોન-8માં કયા પોલીસ સ્ટેશનોનો સમાવેશ?
નવા રચાયેલા ઝોન-8 હેઠળ પૂર્વ અમદાવાદના મહત્વના અને વ્યસ્ત પોલીસ સ્ટેશનોને આવરી લેવામાં આવ્યા છે:
રામોલ
નિકોલ
ઓઢવ
વટવા
વટવા GIDC
વસ્ત્રાલ (નવું પોલીસ સ્ટેશન)
નોંધનીય છે કે પોલીસ સ્ટેશનોની હદમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર વહીવટી સરળતા માટે તેમના ‘ઝોન’ બદલવામાં આવ્યા છે. અગાઉ આ વિસ્તારો ઝોન-5 અને ઝોન-6 હેઠળ આવતા હતા.
ઇન્ડસ્ટ્રીયલ હબ અને રિંગરોડ પર વિશેષ ધ્યાન
નવા ઝોન-8ની રચના પાછળનું મુખ્ય કારણ નિકોલથી લઈને વટવા GIDC સુધીનો વિશાળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે.
સિંગલ કમાન્ડ: ઓઢવ, નિકોલ અને વટવા જેવા વિસ્તારોમાં મોટી GIDC આવેલી હોવાથી, હવે એક જ DCP હેઠળ આખો ઇન્ડસ્ટ્રીયલ પટ્ટો આવવાથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી રીતે જળવાશે.
રિંગરોડ પર સુરક્ષા: નિકોલથી વટવા નજીક અસલાલી સુધીનો રિંગરોડનો પટ્ટો હવે ઝોન-8માં છે. જેના કારણે રિંગરોડ પર થતી અકસ્માત કે લૂંટ જેવી ઘટનાઓને અટકાવવામાં અને પેટ્રોલિંગ વધારવામાં સરળતા રહેશે.
નાગરિકોને શું ફાયદો થશે?
સામાન્ય રીતે નાગરિકોને જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનથી સંતોષકારક જવાબ ન મળે, ત્યારે તેમણે DCP કક્ષાના અધિકારીને રજૂઆત કરવાની હોય છે. અત્યાર સુધી પૂર્વના રહેવાસીઓને દૂર સુધી જવું પડતું હતું, પરંતુ હવે રામોલ પોલીસ સ્ટેશન ખાતે જ ઝોન-8 ના DCP ની ઓફિસ શરૂ કરાતા સ્થાનિકો પોતાની રજૂઆતો નજીકમાં જ કરી શકશે.
3 નવા પોલીસ સ્ટેશનોની મંજૂરી
શહેરના વિસ્તરણને જોતા આગામી સમયમાં વધુ ત્રણ પોલીસ સ્ટેશનો અસ્તિત્વમાં આવશે:
વસ્ત્રાલ પોલીસ સ્ટેશન (ઝોન-8)
હંસપુરા પોલીસ સ્ટેશન (ઝોન-4)
મોટેરા પોલીસ સ્ટેશન (ઝોન-2)