અમદાવાદ: લોખંડના સળીયા સસ્તા ભાવે આપવાના બહાને બિલ્ડર સાથે ₹74 લાખની છેતરપિંડી, રાણીપ પોલીસ મથકે ફરિયાદ

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં વેપારના નામે વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાણીપ પોલીસ મથકે નોંધાયો છે, જેમાં ‘એમ.કે.સી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ’ કંપનીના માલિક સાથે લોખંડના સળીયા અને અન્ય મટીરીયલ સસ્તા ભાવે આપવાની લાલચ આપી કુલ ₹74,04,515 ની છેતરપિંડી આચરવામાં આવી છે.

​ઓછા ભાવનું કોટેશન આપી જાળ બિછાવી

​ફરિયાદની વિગતો મુજબ, ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા કિશનસિંહ જવાનસિંહ ઠાકોર (ઉ.વ. 42) એ રાણીપ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગત નવેમ્બર 2025માં, ભાવનગરના બોરલા ગામના વતની અને ‘રદ્ધિ ઈન્ડસ્ટ્રીઝ’ના માલિક ભાસ્કરરાય ચંદુભાઈ જોષીએ ફરિયાદીની કંપનીમાં સંપર્ક કર્યો હતો. આરોપીએ ઇન્ડિયા માર્ટ પરની ઇન્ક્વાયરીના આધારે લોખંડના સળીયા, એમ.એસ. પ્લેટ અને એન્ગલ બજાર કરતા ઓછા ભાવે આપવાની ખાતરી આપી હતી.

​પોતાની વાત સાચી મનાવવા માટે આરોપીએ વોટ્સએપ પર કંપનીનું વિઝિટિંગ કાર્ડ, જીએસટી સર્ટીફીકેટ અને કેન્સલ ચેક પણ મોકલ્યા હતા. બીજી કંપનીઓ કરતા ભાવ ઓછા હોવાથી કિશનસિંહ ઠાકોરે કુલ 320 ટન લોખંડનો ઓર્ડર આપ્યો હતો.

​ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવ્યા

​આરોપીએ માલ મોકલવાના બહાને અલગ-અલગ સમયે બેંક ટ્રાન્સફર (RTGS) દ્વારા મોટી રકમ મેળવી હતી:

​પ્રથમ હપ્તા તરીકે ₹25,00,000 મેળવ્યા.

​ત્યારબાદ ખોટા ઇનવોઇસ બિલ મોકલી બાકીના ₹64,07,445 પણ ભરાવી લીધા.

​આમ, કુલ ₹89 લાખથી વધુની રકમ મેળવી લીધા બાદ પણ પ્રોજેક્ટ સાઈટ પર લોખંડનો માલ પહોંચ્યો નહોતો.

​વિશ્વાસઘાત અને પોલીસ કાર્યવાહી

​જ્યારે ફરિયાદીએ માલની ઉઘરાણી કરી, ત્યારે આરોપીએ માત્ર ₹14.50 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના ₹74,04,515 પરત આપ્યા નહોતા કે માલ પણ મોકલ્યો નહોતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા કિશનસિંહ ઠાકોરે 6 માર્ચ 2026ના રોજ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

​હાલમાં, રાણીપ પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય. વ્યાસ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts