અમદાવાદ: શહેરમાં વધતી જતી ચેન સ્નેચિંગની ઘટનાઓ પર લગામ લગાવવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ કાર્યરત રામોલ પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. રામોલ વિસ્તારમાં રાહદારીના ગળામાંથી સોનાનો ચેન ખેંચીને ફરાર થઈ જનાર ત્રણ ઈસમોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત તા. ૨૫/૦૨/૨૦૨૬ના રોજ વહેલી સવારે રામોલ તનમન ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા એક વ્યક્તિના ગળામાંથી આ શખ્સો આશરે રૂપિયા ૧,૭૫,૦૦૦ ની કિંમતનો સોનાનો ચેન આંચકીને નાસી છૂટ્યા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ કરી હતી.
બાતમીના આધારે પોલીસે ગોઠવ્યું છટકું
પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મોરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.બી. રબારી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. કાર્તિકભાઈ, પો.કો. શક્તિસિંહ અને પો.કો. દિવ્યરાજસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલ આરોપી રામોલ પાંજરાપોળ ચાર રસ્તા પાસે છે. બાતમીના આધારે પોલીસે રેડ કરી મુખ્ય આરોપી હર્ષ ઉર્ફે ઢોલાને રિક્ષા અને મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
૧. હર્ષ ઉર્ફે ઢોલા દિનેશભાઈ ગારંગે (રહે. કુબેરનગર, અમદાવાદ)
૨. રાજ ઉર્ફે રામૂ રાકેશભાઈ ગારંગે (રહે. કુબેરનગર, અમદાવાદ)
૩. સ્ટીવન ઉર્ફે કિશન લિયો પરસી લાઉડન (રહે. કુબેરનગર, અમદાવાદ)
કુલ ૩.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
સોનાનો ચેન: આશરે ૨ તોલા (કિંમત રૂ. ૧,૭૫,૦૦૦/-)
સીએનજી રિક્ષા: (નંબર GJ.01.TK.1099)
મોટરસાયકલ તથા મોબાઈલ ફોન: કુલ ૨ નંગ
કુલ કિંમત: રૂપિયા ૩,૧૦,૦૦૦/-
ગુનાહિત ઇતિહાસ
ઝડપાયેલા આરોપીઓ પૈકી રાજ ઉર્ફે રામૂ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ નિકોલ, ઇસનપુર, ખોખરા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચોરી અને સ્નેચિંગના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, તેમજ તે બે વખત ‘પાસા’ (PASA) હેઠળ જેલની હવા પણ ખાઈ આવ્યો છે. અન્ય આરોપીઓ પણ જુગાર અને મારામારીના ગુનામાં સંડોવાયેલા છે.
હાલમાં રામોલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ BNS કલમ ૩૦૪(૨), ૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ કરનાર ટીમ:
આ કામગીરીમાં પો.સ.ઈ. આર.બી. રબારી સહિત એ.એસ.આઈ. કાર્તિકભાઈ, પો.કો. સિદ્ધાર્થભાઈ, દિવ્યરાજસિંહ, શક્તિસિંહ અને પ્રકાશભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.