અમદાવાદ: વાડજમાં મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો, ચાંદીની ૫૭ તકતીઓ સાથે તસ્કર ઝડપાયો

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડને સફળતા મળી છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​શું હતી સમગ્ર ઘટના?

​મળતી માહિતી મુજબ, વાડજ વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરમાંથી પૂર્વજોની આકૃતિવાળી ચાંદીની ૫૭ નાની તકતીઓની ચોરી થઈ હતી. આ બાબતે વાડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫(ડી) અને ૩૩૧(૪) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

​પોલીસની કાર્યવાહી અને ધરપકડ

​શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ વાડજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન અ.પો.કો. વિપુલકુમાર બળદેવભાઈ અને અ.પો.કો. બળવંતભાઈ રમેશભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

​પોલીસે બાતમીવાળા સ્થળેથી આકાશ મનોજભાઈ મારવાડી (ઉંમર ૨૨ વર્ષ, રહે. જૂના વાડજ સર્કલ પાસે) નામના યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી કરેલી તમામ ૫૭ ચાંદીની તકતીઓ મળી આવી હતી.

​ઝડપાયેલો મુદ્દામાલ

​મુદ્દામાલ: પૂર્વજોની આકૃતિવાળી નાની ચાંદીની ૫૭ તકતીઓ.

​વજન: આશરે ૨૦૦ ગ્રામ.

​કિંમત: અંદાજે ₹.૫૦,૦૦૦/-.

​ટીમની કામગીરી

​આ સફળ કામગીરીમાં પો.સબ.ઈન્સ. જી.આર.આલ તથા અ.પો.કો. વિપુલકુમાર, બળવંતભાઈ, પ્રિયવદનભાઈ અને કેતનભાઈ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ આગળની તપાસ તેજ કરી છે.

Related Posts