અમદાવાદ એરપોર્ટ પર ૩ દિવસમાં બીજી વાર ગાંજો ઝડપાયો: બેંગકોકથી આવેલો મુસાફર ૧.૧૦ કરોડના મુદ્દામાલ સાથે પકડાયો

બેંગકોકથી બેગમાં છુપાવીને લાવેલું ૧.૧૦૭ કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નશાકારક પદાર્થોની હેરાફેરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે કાર્યવાહી કરીને બેંગકોકથી આવેલા એક ભારતીય મુસાફર પાસેથી 1.107 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

​કેવી રીતે પકડાયો ગુનેગાર?

​ગઈકાલે બેંગકોક (ડોન મુઆંગ) થી આવેલી વિયેટ જેટ એરલાઈન્સની ફ્લાઈટ નંબર VZ-750 માં એક મુસાફર શંકાસ્પદ જણાતા તપાસ કરવામાં આવી હતી. હેન્ડ બેગના સ્કેનિંગ દરમિયાન અધિકારીઓને ચાર વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. તપાસ કરતા તેમાંથી ઉચ્ચ ગુણવત્તાનો હાઈડ્રોપોનિક ગાંજો (કેનાબીસ) મળી આવ્યો હતો.

​મહારાષ્ટ્રનો યુવક ઝડપાયો

​પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલ મુસાફર મહારાષ્ટ્રના ઉલ્લાસનગરનો વતની છે. અધિકારીઓએ NDPS એક્ટ, 1985 ની કડક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી મુસાફરની ધરપકડ કરી છે. આ નશીલો પદાર્થ કોણે મોકલાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે અંગે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

​3 દિવસમાં બીજો કિસ્સો

​નોંધનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 3 દિવસમાં ગાંજો પકડાયો હોય તેવી આ બીજી ઘટના છે. એરપોર્ટ પર નશીલા પદાર્થોની તસ્કરીના વધતા કિસ્સાઓને જોતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

Related Posts