અમદાવાદ: મેમનગરમાં ભાડાનું મકાન રાખી IPL પર સટ્ટો રમાડતી ટોળકી ઝડપાઈ, 6ની ધરપકડ
અમદાવાદ: શહેરમાં ચાલી રહેલી આઈપીએલ (IPL) ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચો પર ઓનલાઇન સટ્ટો રમાડતા તત્વો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. મેમનગર તળાવ પાસે આવેલી એક સોસાયટીમાં ભાડાનું મકાન રાખીને ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા 6 શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
દરોડાની વિગત:
ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે મેમનગરના આનંદપાર્ક સોસાયટીમાં આવેલા મકાન નંબર ડી/૨ માં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કપિલ ઉર્ફે ચિરાગ ઠક્કર અને અભય ઠક્કર નામના શખ્સો અન્ય લોકો પાસેથી સટ્ટાની આઈડી (ID) ખરીદીને તેનું વેચાણ કરતા હતા. પોલીસ ત્રાટકી ત્યારે આરોપીઓ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની લાઈવ મેચ પર રન અને સ્કોરના આધારે નાણાંની હાર-જીતનો જુગાર રમાડી રહ્યા હતા.
મુદ્દામાલ અને ધરપકડ:
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૩,૧૦,૧૧૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં:
૧૬ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨,૬૦,૦૦૦/-)
રોકડ રકમ (રૂ. ૫૦,૧૧૦/-)
પકડાયેલા આરોપીઓમાં કપિલ ઠક્કર, અભય ઠક્કર, યશકુમાર અખાણી, મીત જયસ્વાલ, કલ્પેશ ઠક્કર અને ધ્રુવ ઠક્કરનો સમાવેશ થાય છે. આ પૈકીના મોટાભાગના આરોપીઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના ભાભર અને થરા પંથકના વતની છે.
આંતરરાષ્ટ્રીય જોડાણની શંકા:
તપાસમાં સટ્ટાની આઈડી આપનાર અન્ય મુખ્ય આરોપીઓના નામ પણ ખુલ્યા છે, જેમના સંપર્ક નંબરો દુબઈ (+971) અને કેનેડા (+1) જેવા વિદેશી દેશોના હોવાનું જણાયું છે. કિશન ઠક્કર (સાયન્સ સિટી), રોનક ઠક્કર (પાટણ) અને દીપ ઠક્કર સહિત અન્ય આઈડી ખરીદનારાઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે.