સાણંદ:
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. સાણંદ પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને મેફેડ્રોન (MD) ડ્રગ્સના વેચાણ અને સપ્લાય સાથે સંકળાયેલા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતના ડ્રગ્સ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
કપડાંની દુકાનની આડમાં ચાલતો હતો નશાનો કાળો કારોબાર
મળતી માહિતી મુજબ, સાણંદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહિપાલસિંહ સુરેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સાણંદના નાળાની ભાગોળ પાસે આવેલી ‘બાબા ફેશન’ નામની કપડાંની દુકાનનો માલિક ધવલ ઉર્ફે લવલી મનુભાઈ દરજી કપડાં વેચવાની આડમાં MD ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ દુકાન પર રેઇડ કરી હતી.
રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસ તપાસ દરમિયાન દુકાનમાંથી નશાકારક મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:
મેફેડ્રોન (MD) ડ્રગ્સ: 21.48 ગ્રામ (કિંમત રૂ. 2,14,800/-)
સેમસંગ મોબાઈલ: 1 નંગ (કિંમત રૂ. 30,000/-)
અન્ય: ડ્રગ્સ પેક કરવા માટેની ખાલી ઝીપલોક પ્લાસ્ટિકની પડીકીઓ.
કુલ મુદ્દામાલ: રૂ. 2,44,800/-
રાજસ્થાન અને અમદાવાદના કનેક્શન ખુલ્યા
પોલીસે માત્ર વેચાણ કરનાર જ નહીં, પણ ડ્રગ્સ સપ્લાય કરનારા આરોપીઓને પણ દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનની એક યુવતીનો પણ સમાવેશ થાય છે.
ધવલ ઉર્ફે લવલી મનુભાઈ દરજી (રહે. સાણંદ) – મુખ્ય વિક્રેતા.
ફીઝા ઉર્ફે મુસ્કાન અનવરખાન પઠાણ (રહે. ઉદયપુર, રાજસ્થાન) – સપ્લાયર.
વીકીકુમાર મનુ ભાઈ ઠાકોર (રહે. ડીસા, બનાસકાંઠા) – સપ્લાયર.
જય પ્રદીપભાઈ પટેલ (રહે. બાપુનગર, અમદાવાદ) – સપ્લાયર.





પોલીસની કડક કાર્યવાહી
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલ અને તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 22(B), અને 29 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું અને અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સામેલ છે.