અદાણી ગેસ બાદ હવે ગુજરાત એનર્જી (ગુજરાત ગેસ) દ્વારા પણ સીએનજી (CNG) ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા પ્રતિ કિલોએ સીધા ₹5નો વધારો ઝીંકવામાં આવતા સામાન્ય જનતા અને વાહનચાલકોના ખિસ્સા પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે.
અમદાવાદ/ગાંધીનગર:
મોંઘવારીના માહોલ વચ્ચે રાજ્યના વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ બાદ હવે ગુજરાત એનર્જી લિમિટેડ (ગુજરાત ગેસ) દ્વારા સીએનજી ગેસના છૂટક વેચાણ ભાવમાં પ્રતિ કિલો ₹5નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે ગુજરાતમાં સીએનજીનો ભાવ ₹88.76 થી વધીને હવે ₹93.76 પ્રતિ કિલો થઈ ગયો છે. આ નવા દરો મધરાતથી અમલમાં આવી ગયા છે.
અંદાજે ચાર મહિના પછી ફરી ભાવવધારો
અગાઉ ગત 18 ઓગસ્ટના રોજ કંપની દ્વારા સીએનજીના ભાવમાં ₹3.75નો વધારો કરવામાં આવ્યો હતો, જે તે સમયે ₹85.01 થી વધીને ₹88.76 થયો હતો. હવે લગભગ ચાર મહિનાના અંતરાલ બાદ ફરી એકવાર કંપનીએ ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. અગાઉ અદાણી ગેસ દ્વારા પણ ભાવ વધારવામાં આવ્યા હોવાથી નાગરિકોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
રિક્ષા અને ટેક્સીચાલકોની મુશ્કેલી વધી
સીએનજીના ભાવ સતત વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સાથે તેનું અંતર ઘટતું જાય છે. સીએનજી કાર, ઓટોરિક્ષા અને ટેક્સી ચલાવતા ઓપરેટરો માટે ઇંધણનો આ વધતો ખર્ચ સીધો જ તેમની રોજિંદી કમાણી પર અસર કરે છે. ખાસ કરીને શહેરોમાં પેસેન્જર ભાડાં પર નભતા રિક્ષાચાલકો અને મધ્યમ વર્ગના વાહનચાલકો માટે આ ભાવવધારો ભારે આર્થિક ફટકા સમાન સાબિત થઈ રહ્યો છે.