અમદાવાદ:
શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. તાજેતરમાં નારોલ વિસ્તારના અલીફનગર રોડ પર આવેલી એક ઓરડીમાં ધમધમતા ગેરકાયદે કતલખાના પર નારોલ પોલીસે સફળ દરોડો પાડીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ જપ્તી
બાતમીના આધારે કરવામાં આવેલી આ અચાનક કાર્યવાહી દરમિયાન પોલીસે ઓરડીમાંથી અને બહાર પાર્ક કરેલા લોડિંગ ટેમ્પોમાંથી અંદાજે ૭૦૦ કિલોગ્રામ પશુઓનું માંસ કબજે કર્યું હતું. આ ઉપરાંત, ઘટનાસ્થળેથી ૫ વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
૮ મૂગા જીવોનો બચાવ
કતલખાનાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ૪ ભેંસો અને ૪ પાડા સહિત કુલ ૮ પશુઓને બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા, જેને પોલીસે તાત્કાલિક મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
ધરપકડ અને મુખ્ય સૂત્રધારની વિગતો
પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેમાં નીચેના આરોપીઓનો સમાવેશ થાય છે:
૧. મોહંમદ રફીક ઉર્ફે બાબા મોહંમદ સીદીક લાલમીયાં શેખ
૨. અશફાક ઉર્ફે મામા મજીદ મુદ્દીન કુરેશી
૩. મોહસીન ઉર્ફે મોહમ્મદઉમર ફારૂક યાસીન કુરેશી
૪. મોહમદ અમન મોહમદ હનીફ રફીક કુરેશી
આ ઉપરાંત, એક સગીરને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે.
સ્થળ ભાડે આપનાર અને કાવતરું બહાર આવ્યું
પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ જગ્યા મમ્મુ બુખારીની માલિકીની છે. તેણે આ જગ્યા મોહંમદ રફીક અને તેના મિત્ર મુનાવર ઉર્ફે સની બુખારીને કતલખાના માટે ભાડે આપી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અહીં પશુઓની કતલ કરીને આ માંસ મિર્જાપુર બજારમાં વેચવામાં આવનાર હતું, પરંતુ તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી.
હાલ પોલીસે અન્ય ફરાર આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની શોધખોળ સઘન બનાવી છે.