Tathya Patel| અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના આરોપી તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. નબીરા તથ્ય પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે. સિંધુ ભવનના એક કાફેમાં ગાડી ઘુસાડવાના CCTV વાયરલ થયા બાદ M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કાર્યવાહી પુરી થયા બાદ સિંધુ ભવન કેસમાં તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવશે. મહત્વનું છે કે, ગોતાના પ્રજ્ઞેશ પટેલના દિકરા તથ્ય પટેલે 3 જુલાઈએ સિંધુ ભુવન રોડ પર અકસ્માત સર્જ્યો હતો.
તથ્યએ સિંધુભવન રોડ પર સર્જ્યો હતો અકસ્માત
અમદાવાદના નબીરા તથ્ય પટેલે બુધવારે રાત્રે બેફામ ઝડપે લક્ઝુરિયસ કાર દોડાવીને 9 લોકોની જિંદગી ભરખી ગયો હતો. આ નબીરાનું વધુ એક કૃત્ય સામે આવ્યું છે. તેણે ગત 03 જુલાઈની રાત્રે પણ અકસ્માત સર્જ્યો હતો. તથ્ય પટેલે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર થાર કાર બેફામ ચલાવીને કેફેમાં ઘુસાડી દીધી હતી. 3 જુલાઈએ 0093 નંબરની થારને તથ્ય પટેલે સિંધુ ભવન રોડ પર આવેલ એક કેફેમાં ઘુસાડી દીધી હતી. તથ્ય પટેલે થાર ગાડી દ્વારા સિંધુભવન રોડ પર આવેલ કેફેની દીવાલ તોડી નાખી હતી. તે સમયે તથ્ય પટેલ અને કેફેના સંચાલકે સમાધાન કરી લીધું હતું.
અકસ્માતના CCTV પણ સામે આવ્યા
જોકે, ઇસ્કોન બ્રિજના અકસ્માત બાદ 3 જુલાઈની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં જોવા મળી રહ્યું છે કે, તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે. થાર કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરેન્ટની દીવાલ તોડી નાખે છે. જોકે, હવે M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે.
કોણ છે આ અકસ્માત સર્જતો નબીરો તથ્ય પટેલ?
ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો. આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીના પિતા સામે અગાઉ 8 જેટલા ગુના નોંધાયેલા છે.
શું બની હતી સમગ્ર ઘટના?
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી વૈભવી કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. તથ્ય પટેલ નામના નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક તથ્ય પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી છે, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સાથે જ યુવક સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસે અટકાયત કરી છે.