સુરત: શહેર પોલીસ દ્વારા દારૂની બદીને ડામવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સારોલી પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે વનિઓલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક ટેમ્પોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ સંદર્ભે એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સારોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ વનિઓલ ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહ્યો હતો. દરમિયાન, મળેલી બાતમીના આધારે પોલીસે GJ 05 CV 2852 નંબરના એક લીલા રંગના બજાજ મેક્સીમા થ્રી વ્હીલ ટેમ્પોને અટકાવી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન ટેમ્પોમાંથી BUDWEISER MAGNUM SUPER PREMIUM BEER ના ૫૦૦ મી.લી.ના ૨૬૪ બિયર ટીન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. ૩૭,૪૮૮ આંકવામાં આવી છે.
પોલીસે ટેમ્પા ચાલક કેશવરામ ભગવતીદીન સરોજ (ઉ.વ. ૫૦) ની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ટેમ્પો (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦) અને એક મોબાઇલ ફોન (કિંમત રૂ. ૨,૫૦૦) પણ કબજે કર્યો છે. આમ, પોલીસે કુલ રૂ. ૧,૮૯,૯૮૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો મંગાવનાર મોટા વરાછાના ચેતન નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. સારોલી પોલીસે આ અંગે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.વેર્રીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.