અમદાવાદ: દાણીલીમડામાં ૨૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો, ૧૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

​અમદાવાદ:

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા સેક્ટર-૨ અને ઝોન-૬ના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ નશાકારક પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ધરાયેલા અભિયાન હેઠળ દાણીલીમડા પોલીસે મોટી સફળતા મેળવી છે. સર્વેલન્સ સ્કોડ અને એન.ડી.પી.એસ. (NDPS) ટીમ દ્વારા ૨૦૦ ગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

​બાતમીના આધારે દરોડો

દાણીલીમડા પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. સી.ટી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.જે. સોલંકી અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ કિરીટસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ નિતીનકુમાર અરૂણભાઈને સંયુક્ત રીતે ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, એક શખ્સ ખુલ્લામાં જાહેર જગ્યા પર ગાંજાનું વેચાણ કરી રહ્યો છે.

​બાતમીના આધારે પોલીસે બેરલ માર્કેટ, ખજુરી રોડ પર આવેલી એ-વન નગર મસ્જિદે હઝરત પાસે દરોડો પાડીને આરોપીને ઝડપી લીધો હતો.

​ઝડપાયેલ આરોપી અને કબ્જે કરાયેલ મુદ્દામાલ

​ઝડપાયેલ આરોપી: યુનુસ ઉર્ફે પાઈપ અબ્દુલ રહેમાન રંગરેજ (ઉંમર ૪૯, રહે. સિટીઝન નગર, ગોસીયા મસ્જિદ પાસે, બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ).

​કબ્જે કરાયેલ મુદ્દામાલ: રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો ૨૦૦ ગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો.

​મુખ્ય સપ્લાયર વોન્ટેડ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી સલમાન ઉર્ફે પતલો મો.અશરફ સૈયદ (રહે. એ-વન નગર, દાણીલીમડા) છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.

​આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપી યુનુસ ઉર્ફે પાઈપ અગાઉ પણ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ઘરફોડ ચોરી તેમજ રિયટિંગ/હુમલા જેવા ૪ ગંભીર ગુનાઓમાં સપડાયેલો છે. જ્યારે વોન્ટેડ આરોપી સલમાન ઉર્ફે પતલો પણ અગાઉ મારામારીના કેસમાં સંડોવાયેલો છે.

​આ મામલે દાણીલીમડા પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts