નરોડા પોલીસે રણાસણ ટોલનાકા નજીકથી ૩૦૦ લીટર ચોરીના ડીઝલ-પેટ્રોલ સાથે બે ની ધરપકડ કરી

૩૦૦ લીટર ચોરીનું ડીઝલ-પેટ્રોલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ: નરોડા પોલીસે રણાસણ ટોલનાકા નજીક શિવમ કાઠીયાવાડી હોટલ પાછળથી ૩૦૦ લીટર ચોરી કરેલા ડીઝલ-પેટ્રોલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ કમિશનરશ્રી, સંયુક્ત પો. કમિશનર શ્રી સેક્ટર-૨, ના.પો.કમિશનર શ્રી ઝોન-૪ અને મ.પો.કમિશનરશ્રી “જી” ડિવિઝનના અધિકારીઓએ મિલકત અને શરીર સંબંધી ગુનાઓ શોધવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી. જેના ભાગરૂપે નરોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.એમ. જોગડા અને તેમની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

પોલીસને બાતમી મળી હતી કે રણાસણ ટોલનાકા પાસે એક ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ-પેટ્રોલ કાઢવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો અને GJ-01-HT-4599 નંબરના ટેન્કર પાસેથી બે વ્યક્તિઓને ચોરી કરતા રંગે હાથે પકડી પાડ્યા હતા.

પોલીસે ટેન્કરમાંથી ૩૫૦ લીટર પેટ્રોલ અને ૪૦ લીટર ડીઝલ જપ્ત કર્યું છે, જેની કિંમત રૂ. ૩૧૫૮૪ અને રૂ. ૩૪૯૬ છે. આ ઉપરાંત, પોલીસે ૧૩ કેરબામાં ભરેલું પેટ્રોલ, ૨ કેરબામાં ભરેલું ડીઝલ, બે મોબાઈલ ફોન, ટેક્સ ઇન્વોઇસ બિલ, એક પ્લાસ્ટિકની પાઈપ અને ટેન્કરના આર.ટી.ઓ. સંબંધિત કાગળો પણ જપ્ત કર્યા છે. જપ્ત કરવામાં આવેલા કુલ મુદ્દામાલની કિંમત ૨૬,૦૬,૪૯૩ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રામજીત રામશિજોર રઘુનંદન (ઉંમર ૩૧, ડ્રાઈવર) અને કિરીટસિંહ ધીરુભાઈ દેવુભાઈ વણાર (ઉંમર ૪૨, વેપારી) તરીકે થઈ છે. રામજીત ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જ્યારે કિરીટસિંહ અમદાવાદનો છે.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઓપરેશનમાં સામેલ પોલીસ કર્મચારીઓમાં બી.એમ.જોગડા, દેવેન્દ્રસિંહ રતનસિંહ, મહેશભાઇ લાભુભાઇ, પરબતભાઈ જેરુપભાઈ, હાર્દિકકુમાર બનેસિંહ, શિવભદ્રસિંહ ખેંગારસિંહ, વિજયકુમાર ખોડીદાસ અને દિલીપભાઇ ભરતભાઇનો સમાવેશ થાય છે.

 

Related Posts