આખરે સાબર ડેરી નમી: પશુપાલકોની ઐતિહાસિક જીત, દૂધના ભાવફેર મુદ્દે સમાધાન

by Bansari Bhavsar

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે સારા સમાચાર છે. દૂધના ભાવફેર મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવ્યો છે અને આખરે સાબર ડેરીને પશુપાલકોની માંગણીઓ સામે ઝુકવું પડ્યું છે. ડેરીના ચેરમેન શામળ પટેલ ૧૯૯૦ પ્રમાણે દૂધનો ભાવફેર આપવા માટે સહમત થતાં પશુપાલકોની આ એક મોટી જીત માનવામાં આવી રહી છે.

છેલ્લા બે દિવસથી પશુપાલકો દ્વારા ડેરીમાં દૂધ ભરવાનું ઘટાડી દેવામાં આવ્યું હતું, જેના કારણે ડેરીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. સામાન્ય દિવસોમાં જ્યાં ૨૬ લાખ લિટર દૂધ ભરાતું હતું, તેની સામે છેલ્લા બે દિવસથી માત્ર ૧૧ લાખ લિટર દૂધ જ ભરાઈ રહ્યું હતું. દૂધના આવકમાં આટલો મોટો ઘટાડો થતાં ડેરી તંત્ર પર દબાણ વધ્યું હતું અને અંતે પશુપાલકોની ભાવફેરની માંગણી સ્વીકારવાની ફરજ પડી હતી.

આ નિર્ણયથી હજારો પશુપાલકોને આર્થિક રીતે મોટો ફાયદો થશે અને તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણી સંતોષાશે. પશુપાલકોએ આ નિર્ણયને વધાવ્યો છે અને તેને તેમની એકતા અને સંઘર્ષના ફળ સ્વરૂપે ગણાવ્યો છે.

Related Posts