અમદાવાદ, ૧૨ જુલાઈ ૨૦૨૬:
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે આજે સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમામયી કાર્યક્રમ અંતર્ગત “સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ તેમજ વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ” નો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ₹૪૦૫ કરોડના વિવિધ ૨૨ પ્રકલ્પોનું લોકાર્પણ અને ૭ કાર્યોના ખાતમુહૂર્ત કરવા સાથે AMTS અને BRTS ની ૩૩૩ નવી અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ પગલાથી અમદાવાદ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બનવાની દિશામાં આગળ વધ્યું છે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
”એક પેડ માં કે નામ” હવે બન્યું રાષ્ટ્રીય જન આંદોલન
નગરજનોને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પર્યાવરણના સંવર્ધન અને પૃથ્વીના રક્ષણ માટે “પીપલ હેબિટેબલ પ્લેનેટ સાથે પ્રોગ્રેસ” નું સૂત્ર આપ્યું છે. ધરતી માતાનું ઋણ ઉતારવા અને માતાના સન્માનમાં શરૂ કરાયેલું “એક પેડ માં કે નામ” અભિયાન આજે જનભાગીદારીનું એક વિશાળ લોકઆંદોલન બની ગયું છે. ભારત સરકારની સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સે પણ વિતેલા ૭ વર્ષમાં ૭ કરોડ વૃક્ષ વાવવાનું ભગીરથ કાર્ય ગઈકાલે જ પરિપૂર્ણ કર્યું છે.
ગ્રીન કવરમાં ૧૧.૨૫% નો નોંધપાત્ર વધારો
શ્રી શાહે વિસ્તારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરતા ગર્વભેર જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૫ દરમિયાન કરાયેલ સઘન વૃક્ષારોપણ ઝુંબેશના પરિણામે ગાંધીનગર લોકસભા વિસ્તારના ગ્રીન કવરમાં ૧૧.૨૫ ટકાનો મોટો વધારો નોંધાયો છે, જેને આગામી વર્ષ ૨૦૨૯ સુધીમાં ૨૦ ટકા સુધી લઈ જવાનો મક્કમ સંકલ્પ છે. ગાંધીનગર લોકસભા દ્વારા ચલાવવામાં આવેલા ઓનલાઈન અભિયાન અંતર્ગત ૧,૩૭,૮૧૨ લોકોએ પોતાની સોસાયટીમાં ૫ રોપાઓ વાવવા અને તેના જતન માટે નોંધણી કરાવી છે. આ વર્ષે ગાંધીનગર લોકસભામાં ૧ કરોડ ૨૫ લાખ અને અમદાવાદ શહેરમાં ૫૦ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત, વિસ્તારમાં નવા ૬૧ ઓક્સિજન પાર્ક ઉમેરાતા હવે કુલ ૭૩ ઓક્સિજન પાર્ક જનતા માટે ખુલ્લા મુકાયા છે.
સોલર રૂફટોપ અને પ્રગતિનું રિપોર્ટ કાર્ડ
સમગ્ર દેશમાં સૌથી વધારે સોલર રૂફટોપ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં લાગ્યા હોવાની માહિતી આપતા ગૃહમંત્રીએ અપીલ કરી હતી કે, સોસાયટીનો એકપણ ભાગ વૃક્ષ વિનાનો અને એકપણ ઘર સોલાર રુફટોપ વિના ન રહે તે માટે આપણે સામૂહિક પ્રયાસો કરવા પડશે. તેમણે લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધીમાં થયેલા ₹૨૮,૪૯૨ કરોડના ઐતિહાસિક વિકાસ કાર્યોનું વિગતવાર રિપોર્ટ કાર્ડ પણ જનતા સમક્ષ મૂક્યું હતું:
ઘાટલોડિયા: ₹૭,૩૦૦ કરોડ
ગાંધીનગર ઉત્તર: ₹૪,૩૦૦ કરોડ
નારણપુરા: ₹૩,૨૬૨ કરોડ
સાણંદ: ₹૨,૮૦૦ કરોડ
વેજલપુર: ₹૨,૬૭૦ કરોડ
સાબરમતી: ₹૨,૧૪૯ કરોડ
કલોલ: ₹૨,૦૦૩ કરોડ
કુલ વિકાસ કાર્યો: ₹૨૮,૪૯૨ કરોડ
પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદભુત સમન્વય: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ સાથે સંતુલન જાળવીને જીવન જીવવાની પ્રાચીન પરંપરાઓ અનુસાર “Mission LiFE” (લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ) અને “Back To Basic” નો મંત્ર આપ્યો છે. ‘જન’ સાથે ‘વન’ અને ‘પ્રકૃતિ’ સાથે ‘સંસ્કૃતિ’ જોડવાનો સંકલ્પ શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યો છે. વિકસિત ભારત ૨૦૪૭ ના લક્ષ્યને આંબવા માટે તેમણે સ્વસ્થ, ક્લીન અને ગ્રીન ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ ઐતિહાસિક અવસરે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, રાજ્યના મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, કર્ણાવતી મહાનગરના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સહિત એએમસીના પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો, કાઉન્સિલરો અને વિશાળ સંખ્યામાં દેશભક્તો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.