રિસાઈને પિયર ગયેલી પત્નીને લેવા જતા યુવકને મળ્યું મોત, પત્ની,સાસુ અને સાળાઓએ એસિડ પીવડાવી ફૂટપાથ પર ફેંક્યો

by ND
A man killed by his wife, mother-in-law and brother-in-law, News Inside

Ahmedabad| સાસરીમાં ગયેલા પતિ પર પત્ની, સાસુ અને બે સાળાએ હુમલો કર્યા બાદ મોડીરાતે બે વાગ્યાની આસપાસ એસિડ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દેવાનો ચોંકાવનારો બનાવ શાહપુરમાં બન્યો છે. એક મહિનાથી પત્ની રિસાઇને પિયરમાં ગઇ હતી, જેથી પતિ તેને મનાવીને પરત લેવા માટે સાસરીમાં ગયો હતો. જ્યાં તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. એસિડ પીવડાવ્યા બાદ પતિ આખી રાત રોડ પર તરફડીયા મારતો રહ્યો હતો, જ્યાં વહેલી સવારે તેનો ભાઇ હોસ્પિટલ ખાતે લઇ જતાં મોતને ભેટ્યો છે.

પત્ની, સાસુ, સસરા, સાળાએ એસિડ પીવડાવ્યું હતું
ગીતામંદિર વિસ્તારમાં આવેલ કબીરવાળી ચાલીમાં રહેતા જીગ્નેશ વાઘેલાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં શિલ્પા, શકુબેન, મનોજ અને દિપક વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. જીગ્નેશના નવ ભાઇ-બહેન છે. જેમાં તેમના મોટાભાઇ પ્રહલાદની ગઇકાલે શાહપુરમાં એસિડ પીવડાવીને હત્યા કરી દેવામાં આવી છે. પ્રહલાદની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની જ પત્ની, સાસુ અને સાળા સહિત કુલ ચાર લોકોએ ભેગા મળીને કરી છે. એક મહિનાથી રિસામણે ગયેલી પત્નીને મનાવવા માટે પ્રહલાદ સાસરીમાં ગયો હતો, જ્યાં ચારેય જણાએ ભેગા થઇને તેની હત્યા કરી નાખી હતી.

પત્નીને મનાવીને પરત લાવવા માટે ગયો હતો
જીગ્નેશના ભાઇ પ્રહલાદના લગ્ન 2007માં થયા હતા, પરંતુ પત્ની સાથે મનમેળ ન રહેતા તેને છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ પ્રહલાદે વર્ષ 2010માં શાહપુર શંકરભુવન પાસે રહેતી શિલ્પા સાથે બીજા લગ્ન કર્યા હતા. પ્રહલાદ અને શિલ્પાને બે પુત્રી છે, જે તમામ ગીતામંદિર પાસે રહે છે. એક મહિના પહેલા પ્રહલાદ અને શિલ્પા વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે શિલ્પા તેના માતા-પિતાના ઘરે પોતાના પિયરમાં જતી રહી હતી. બે દિવસ પહેલા પ્રહલાદ તેને મનાવીને ઘરે પરત લેવા માટે ગયો હતો. જ્યાં શિલ્પા, સાસુ શકુબેન તેમજ સાળા મનોજ અને દિપકે ભેગા થઇને તેની હત્યા કરી દીધી હતી. ગઇકાલે સવારે જીગ્નેશ સુતો હતો, ત્યારે કોઈ બહેનનો ફોન આવ્યો હતો અને કહેવા લાગી હતી કે, પ્રહલાદ જેવો કોઇ વ્યકિત શાહપુરના શંકરભુવન પાસે જાહેર રોડ પર પડ્યો છે.

ફૂટપાથ પર પડેલા પ્રહલાદે ભાઇ જીગ્નેશને શું કહ્યું?
જીગ્નેશે પ્રહલાદના ઘરે જઇને તપાસ કરી હતી. જોકે, તે મોડીરાતથી ઘરે હાજર ન હતો. તેથી જીગ્નેશ સીધો શંકરભુવન પહોંચી ગયો હતો. જ્યાં પ્રહલાદ ફૂટપાથ પર સુતેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેને શરીર પર ઇજાના નિશાન હોવાથી તેને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, ગઇકાલે મારી પત્નીને લેવા માટે શંકરભુવન પાસે મારી સાસરીમાં આવ્યો હતો. ત્યારે મારી પત્ની શિલ્પા, મારી સાસુ શકુબેન, સાળા મનોજ અને દિપકે ઝઘડાની અદાવત રાખીને માર માર્યો હતો અને રાતે બે વાગે જબરજસ્તી એસિડ પીવડાવીને નાસી ગયા છે. એમ્બ્યુલન્સ આવી જતાં પ્રહલાદને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. પ્રહલાદના શરીર પર ઇજાના નિશાન હતા. જેથી જીગ્નેશે તરત જ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. માધુપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Related Posts