અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશનરેટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓ દ્વારા મુલાકાતીઓને મળવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમોનો હેતુ પોલીસ સ્ટેશન અને કચેરીઓમાં આવતા નાગરિકોને વધુ સારી સુવિધા આપવાનો છે.
નવા નિયમો અનુસાર, ખાસ પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓએ દરરોજ સવારે ૧૨:૦૦ થી ૧૪:૦૦ ની વચ્ચે મુલાકાતીઓને મળવાનું રહેશે. અધિકારીઓએ તેમની રજૂઆતો સાંભળવાની અને લેખિત અરજીઓ સ્વીકારી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. જો કોઈ અનિવાર્ય કારણસર અધિકારી હાજર ન હોય, તો કચેરીના રીડર અથવા અંગત મદદનીશે અરજદારોની રજૂઆત સાંભળીને અરજી અધિકારી સુધી પહોંચાડવાની રહેશે.
પોલીસ ઇન્સ્પેક્ટરો માટે, મુલાકાતનો સમય સાંજે ૧૬:૦૦ થી ૧૮:૦૦ નો રહેશે, કારણ કે તેઓ સામાન્ય રીતે સવારે કોર્ટના કામકાજ અને તપાસ માટે બહાર હોય છે. આ ઉપરાંત, પોલીસ ઇન્સ્પેક્ટરોએ સાંજે ૧૮:૦૦ થી ૨૧:૦૦ દરમિયાન તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ જેવી ફરજો બજાવવાની રહેશે, અને રાત્રે ૨૧:૦૦ થી ૨૪:૦૦ સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહીને અન્ય કામગીરી કરવાની રહેશે. નાયબ પોલીસ કમિશનરોને તેમના તાબાના પોલીસ ઇન્સ્પેક્ટરોનું ઓચિંતી ચેકિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
આ નવા નિયમો અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનો અને કચેરીઓને લાગુ પડશે, જેમાં ક્રાઈમ, સાયબર, મહિલા અને ટ્રાફિક પોલીસ સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે. ઉચ્ચ અધિકારીઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
આ ફેરફારોથી નાગરિકોને તેમની ફરિયાદો અને રજૂઆતો માટે ચોક્કસ સમય મળશે, અને પોલીસ અધિકારીઓ પણ તેમની ફરજોને વધુ સારી રીતે બજાવી શકશે.