સુરત: સારોલી પોલીસે પ્રામાણિકતા દાખવી ₹૫.૭૦ લાખ ભરેલી રોકડ બેગ મૂળ માલિકને પરત સોંપી

રીંગ રોડ પર ગુમ થયેલી ₹૫.૭૦ લાખની રોકડ ભરેલી બેગ પોલીસે માલિકને શોધીને સોંપી

by Bansari Bhavsar

સુરત શહેર પોલીસ કમિશ્નર વાબાંગ ઝામીર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નાગરિકોની ગુમ કે ગેરવલ્લે થયેલી વસ્તુઓ તેમના મૂળ માલિકોને શોધાઈને પરત કરવા માટેની ખાસ સુચના આપવામાં આવી છે. આ સુચનાના આધારે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

​સારોલી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ આઉટર રીંગ રોડ, સણીયા હેમાદ પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રોડ પર એક બિનવારસી બેગ પડેલી મળી આવી હતી. એ.એસ.આઇ. વિરેનભાઈ તથા અ.હે.કો. પ્રકાશભાઈએ બેગ ચકાસતા તેમાંથી ₹૫.૭૦ લાખની રોકડ રકમ મળી આવી હતી.

​પોલીસે તુરંત વિસ્તારના લારી-ગલ્લા ધારકોને પૂછપરછ કરી બેગના માલિક અંગે તપાસ શરૂ કરી હતી. યોગ્ય તપાસ બાદ બેગના મૂળ માલિક ભાવેશભાઈ જમનભાઈ મોવલીયા (રહે. બ્રોસમ હોમ્સ, મોટા વરાછા, સુરત) મળી આવ્યા હતા. પોલીસે તેમને પોલીસ સ્ટેશને બોલાવી, રોકડ રકમ અને બેગની માલિકીના યોગ્ય પુરાવા મેળવ્યા બાદ ₹૫.૭૦ લાખ ભરેલી બેગ ‘તેરા તુજકો અર્પણ’ કરી પરત સોંપી હતી.

​સારોલી પોલીસની આ સતર્કતા અને ઈમાનદારીભરી ટીમ વર્કની સ્થાનિક લોકો દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે.

Related Posts