કેફેની આડમાં ધમધમતું ગેરકાયદે હુક્કાબાર ઝડપાયું: ત્રાગડ રિંગ રોડ પર VinViks કેફેમાં સાબરમતી પોલીસની ધાડ

હર્બલના નામે નિકોટીનનો કારોબાર! અમદાવાદમાં VinViks કેફેના સંચાલક વિનીત રાઠોડ સામે કાયદેસરની કાર્યવાહી

by Bansari Bhavsar

અમદાવાદ:

યુવાધનને નશાના રસ્તે જતું અટકાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનરની સૂચના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમે ત્રાગડ રિંગ રોડ પર આવેલ એક કેફેમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે.

​શું હતી સમગ્ર ઘટના?

​મળતી માહિતી મુજબ, સાબરમતી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ.ડી. રાઓલ અને એમનો સ્ટાફ વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પી.એસ.આઈ. રાઓલને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સાબરમતી, એસ.પી. રિંગ રોડ પર હોટલ હિલ્લોક સામે આવેલા ‘VinViks કેફે’ માં કેફેની આડમાં હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યું છે.

​બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા કેફેનો સંચાલક વિનીત નરેન્દ્રભાઈ રાઠોડ (ઉં.વ. ૩૭, રહે. જગતપુર, મૂળ રહે. મોટી મારણ, જી. રાજકોટ) ગ્રાહકોને ચાલુ હાલતમાં હુક્કાની સર્વિસ આપતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

​રૂ. ૩૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે

​પોલીસે VinViks કેફેમાંથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:

​હાર્ડવેર અને હુક્કા: ૨૧ નંગ હુક્કા (કિંમત રૂ. ૨૧,૦૦૦)

​તમ્બાકુ/ફ્લેવર: હુક્કામાં વપરાતી ફ્લેવરડ તમાકુના ૯ ડબ્બા (કિંમત રૂ. ૧૩,૫૦૦)

​અન્ય સામગ્રી: નવી ફ્રેશ પાઇપ ૮ નંગ, ફિલ્ટર પાઇપના ૬ પેકેટ, માટીની ચીલમ, કોલસા તથા સિલ્વર ફોઇલ પેપર (કિંમત રૂ. ૩,૧૦૦)

​પોલીસે કુલ રૂ. ૩૭,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નં. ૭૧/૨૦૨૬ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​હર્બલના નામે નિકોટીન પીરસવાનો ખેલ

​પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રેસ્ટોરન્ટ કે કેફેની આડમાં હર્બલ ફ્લેવરના નામે નિકોટીન યુક્ત ફ્લેવર ઉમેરીને યુવાનોને નશાની લતે ચડાવવામાં આવતા હતા. પોલીસ કમિશનરની સૂચના અનુસાર, યુવા પેઢી માટે હુક્કાબાર એ નશાનું પહેલું પગથિયું બની જતું હોવાથી આવી પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

​આ સફળ કામગીરી પી.આઈ. વાય.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.ડી. રાઓલ અને તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ, સુરેશભાઈ, વિરાટભાઈ અને મહિપાલસિંહ દ્વારા કરવામાં આવી હતી.

Related Posts