દિવાળી ટાણે જ અદાણી CNGના ભાવમાં તોતિંગ વધારો: ભાવ ₹100ને પાર પહોંચતા ગ્રાહકો અને રિક્ષાચાલકોમાં રોષ

by Bansari Bhavsar

​અમદાવાદ:

તહેવારોની મોસમ વચ્ચે જ સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે મોંઘવારીનો વધુ એક આંચકો સામે આવ્યો છે. અદાણી ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2.30નો સીધો વધારો ઝીંકાયો છે. આ નવા વધારા સાથે જ CNGનો પ્રતિ કિલોનો ભાવ ₹98.47થી વધીને ₹100.77 પર પહોંચી ગયો છે, જે ₹100ની ઐતિહાસિક સપાટી પાર કરી ગયો છે.

​૧૩ જ દિવસમાં બીજી વખત ભાવવધારો

ઉલ્લેખનીય છે કે, માત્ર ૧૩ દિવસના ટૂંકા ગાળામાં કંપની દ્વારા આ બીજી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ ૨૩ ઓક્ટોબરના રોજ પણ પ્રતિ કિલો ₹4.45નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારના થોડા દિવસો પહેલાં જ ઝીંકાયેલા આ સતત ભાવવધારાથી વાહનચાલકોના ખિસ્સા પર વધારાનો આર્થિક બોજ આવી પડ્યો છે.

​સામાન્ય નાગરિકો અને રિક્ષાચાલકો પર સીધી અસર

તહેવારોના સમયે જ થયેલા આ તોતિંગ વધારાની સીધી અસર સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા મુસાફરો અને ખાસ કરીને ઓટોરિક્ષા ચાલકોની દૈનિક કમાણી પર પડી છે. સતત વધતા ઈંધણના ખર્ચ વચ્ચે ઓટોરિક્ષા ચાલકો લાંબા સમયથી સરકાર પાસે CNG પર સબસિડી અથવા દર નિયંત્રણની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી.

​CNGના ભાવ ₹100ને પાર થઈ જતાં આગામી દિવસોમાં રિક્ષા ભાડા વધવાની પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

Related Posts