દિવાળીના તહેવારને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સુંદર ડેકોરેશનનો કચ્ચરઘાણ
સદનશીબે મોટી જાનહાનિ ટળી, થાર કારમાંથી દારૂની બોટલો અને ખાલી ગ્લાસ મળી આવ્યા
પોલીસની નિષ્ક્રિયતા સામે લોકમુખે ઉઠતા સવાલો: દાખલારૂપ કાર્યવાહીના નામે શૂન્ય
વડોદરા:
ગુજરાતમાં પ્રોહિબિશનના કડક દાવાઓ વચ્ચે પણ બેફામ નશેડીઓનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદ બાદ હવે સંસ્કારી નગરી વડોદરામાં પણ દારૂડિયાઓનો આતંક ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા કાલાઘોડા બ્રિજ પર મોડી રાત્રે દારૂના નશામાં ધૂત એક થાર (Thar) કારના ચાલકે બેફામ અને અવિવેકી ડ્રાઇવિંગ કરી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં દિવાળીના તહેવારને લઈને ઊભું કરાયેલું સુશોભનનું સ્ટ્રક્ચર જમીનદોસ્ત થઈ ગયું હતું.
દિવાળીના ડેકોરેશન પર ફેરવાયું થારનું વ્હીલ
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરની સુંદરતા વધારવા માટે કાલાઘોડા બ્રિજ અનેસયાજીગંજ વિસ્તારની આસપાસ આકર્ષક ડેકોરેશન અને સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા હતા. દરમિયાન, પૂરપાટ ઝડપે આવી રહેલી થાર કારના ચાલકે પોતાનું વાહન કાબૂ બહાર ગુમાવ્યું હતું અને સીધા જ આ ડેકોરેશનના સ્ટ્રક્ચરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે દિવાળીનું સમગ્ર સુશોભન ક્ષણભરમાં કચ્ચરઘાણ થઈને ધરાશાયી થઈ ગયું હતું.
કારમાંથી મળ્યા દારૂના ખાલી ગ્લાસ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને સયાજીગંજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર થાર કારની તલાશી લેતા અંદરથી દારૂની બોટલો અને દારૂ પીવા માટે ઉપયોગમાં લેવાયેલા ખાલી ગ્લાસ પણ મળી આવ્યા હતા. આ પુરાવાઓ સ્પષ્ટ સાબિત કરવા માટે પૂરતા છે કે ચાલક અને તેમાં સવાર અન્ય શખ્સો દારૂના નશામાં સંપૂર્ણપણે ચૂર હતા. સદનશીબે, અકસ્માત મોડી રાત્રે થયો હતો અથવા તે સમયે આસપાસ કોઈ રાહદારી ન હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, નહીંતર એક મોટો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. પોલીસે કારમાં સવાર નશેડીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
દાખલારૂપ કાર્યવાહીના નામે શૂન્ય?
અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાં અગાઉ પણ નબીરાઓ અને નશેડી વાહનચાલકો દ્વારા અકસ્માતો સર્જવાની અને નિર્દોષોના ભોગ લેવાયાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં આવા બેફામ તત્વોમાં કાયદો અને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. સામાન્ય નાગરિકોમાં હવે રોષ ભભૂકી ઉઠ્યો છે કે, અવારનવાર બનતી આવી ઘટનાઓ બાદ માત્ર ખાણપૂરતી અટકાયત કે દેખાડાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કડક અને દાખલારૂપ કાયદાકીય કાર્યવાહીના નામે પરિણામ શૂન્ય જ રહે છે. જો આવા નશેડી ચાલકો સામે કડક પગલાં નહીં ભરાય, તો આગામી દિવસોમાં શહેરોની સડકો પર નિર્દોષ નાગરિકોની સુરક્ષા સામે જોખમ સતત તોળાતું રહેશે.