અમદાવાદ:
અમદાવાદ શહેરમાં નાગરિકોના જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના તમામ ઝોન અને વોર્ડ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અંતર્ગત સઘન ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું ચેકિંગ
તારીખ ૦૧/૧૧/૨૦૨૬ થી ૧૫/૧૧/૨૦૨૬ દરમિયાન ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ ખાદ્ય એકમો પર તપાસ હાથ ધરી કુલ ૧૪૧ નમૂના લેવામાં આવ્યા હતા, જેની વિગત નીચે મુજબ છે:
અલગ અલગ જાતની મીઠાઈ: ૫૧
દૂધ અને દૂધની બનાવટો: ૯
મુખવાસ: ૬
બેકરી પ્રોડક્ટ્સ: ૭
નમકીન: ૨૧
અન્ય: ૩૩
૪ નમૂના અપ્રમાણિત જાહેર
લેવામાં આવેલા નમૂનાઓ પૈકી ૦૪ ખાદ્ય નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અપ્રમાણિત જાહેર થયેલા મુખ્ય એકમોમાં વિવેક ચાઇના ટાઉન-લારી (આંબાવાડી), પટેલ ચતુરભાઈ શિવરામ (માણેકચોક), શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ (વટવા) તથા એચ.એમ. વરખવાળા પ્રા.લી. (કાલુપુર) નો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા કરાયેલી વિશેષ કામગીરી
તારીખ ૦૧/૧૧/૨૦૨૬ થી ૧૫/૧૧/૨૦૨૬ દરમિયાન AMC દ્વારા કરવામાં આવેલી કામગીરીના આંકડાકીય અહેવાલ મુજબ:
તપાસ કરાયેલા ખાદ્ય ધંધાકીય એકમોની સંખ્યા: ૪૭૯
ઇશ્યુ કરેલ નોટિસની સંખ્યા: ૧૪૮
અંદાજિત બિનઆરોગ્યપ્રદ ખાદ્ય નાશ (કિ.ગ્રામ / લીટર): ૨૮૩૨ લિટર/કિ.ગ્રા.
વસૂલ કરેલ વહીવટી ચાર્જ: ₹ ૪,૩૪,૦૦૦/-
કરેલ ટી.પી.સી. ટેસ્ટની સંખ્યા: ૧૧૫
ભ્રામક નામે વેચાણ કરતા વેપારીઓ સામે કડક ચેતવણી
AMC દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેટલાક વ્યવસાયીઓ ગ્રાહકોને મેનુ કે ઓનલાઇન પ્લેટફોર્મ પર ખોટા નામે (દા.ત. વેનિલા ફ્રોઝન ડેઝર્ટને વેનિલા આઈસ્ક્રીમ તરીકે) ખાદ્ય ચીજવસ્તુઓ વેચીને ગેરમાર્ગે દોરે છે. આ ઉપરાંત શુદ્ધ ઘીમાં વનસ્પતિ તેલ કે ભેળસેળ કરનાર સામે પણ કડક નજર રાખવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા તમામ હોટેલ, રેસ્ટોરાં, આઈસ્ક્રીમ પાર્લર, બેકરી અને કેટરર્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ ગ્રાહકોને સાચી ઓળખ આપે અને ખરીદીના બિલ ઉપલબ્ધ રાખે. આગામી દિવસોમાં પણ લાયસન્સ અને હાઈજિનિક કન્ડિશન બાબતે સઘન ચેકિંગ ચાલુ રહેશે અને નિયમભંગ કરનાર સામે FSI / GPMC એક્ટ હેઠળ કડક પગલાં લેવામાં આવશે.