અમદાવાદમાં ઘરફોડ ચોરીઓનો રાફડો ફાટ્યો, પોલીસ એક્શનમાં: ચીખલીકર ગેંગના 4 સભ્યો ઝડપાયા!

by Bansari Bhavsar

અમદાવાદ શહેરના શાંત વિસ્તારોમાં અચાનક જ ઘરફોડ ચોરીઓની વણઝાર શરૂ થઈ ગઈ. ઘાટલોડિયા, રાણીપ, સાબરમતી અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં એક પછી એક ચોરીની ઘટનાઓએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કરી દીધો હતો. પોલીસ કમિશનર જી.એસ. મલિક સાહેબના આદેશથી ઝોન-1 LCB ટીમે આ ઘટનાઓને ગંભીરતાથી લીધી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

પોલીસને મળેલા ગુપ્ત બાતમીના આધારે, ચીખલીકર ગેંગ આ ચોરીઓ પાછળ હોવાનું જાણવા મળ્યું. આ ગેંગ માત્ર અમદાવાદમાં જ નહીં, પરંતુ ગાંધીનગર જિલ્લામાં પણ ફોર વ્હીલર વાહનોની ચોરીમાં સંડોવાયેલી હતી.

ઓપરેશન એક્શન:

ઝોન-1 LCB ટીમના ઇન્સ્પેક્ટર એચ.બી. ગઢવી સાહેબ અને તેમની ટીમે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓની ઓળખ કરી. ટીમના સભ્યો અરવિંદભાઈ ડાંગાભાઈ, કિરણકુમાર અંબાલાલ, ગંગારામ રૂપસીભાઈ અને દેવેન્દ્રકુમાર લક્ષ્મણભાઈએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા.

ચોરીનો માલ અને મોડસ ઓપરેન્ડી:

પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, ત્રણ ફોર વ્હીલર ગાડીઓ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 8,64,869/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ ગાંધીનગરમાંથી ચોરી કરેલી ગાડીઓનો ઉપયોગ અમદાવાદમાં ઘરફોડ ચોરીઓ કરવા માટે કરતી હતી.

ગુનાહિત ઇતિહાસ અને આરોપીઓની ધરપકડ:

પોલીસે રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ સુરમીતસિંહ ચૌહાણ (ઉ.વ. 40), સસપાલસિંહ ઉર્ફે પાપા તારા સિંહ કલાની (ઉ.વ. 34), કરતારસિંહ તિલપીથીયા (ઉ.વ. 24) અને મનોજકુમાર રામસુંદર સોની (ઉ.વ. 41)ની ધરપકડ કરી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે અને તેઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે.

પોલીસની કામગીરી:

આરોપીઓની ધરપકડ કરીને પોલીસે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા અનેક ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસની આ સફળ કામગીરીને કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા પ્રયત્નો કરી રહી છે.

 

Related Posts